અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો
અમદાવાદ શહેરમાં ભારત સરકારના બજેટ હેઠળ મેટ્રો પ્રોજેક્ટના બાંધકામના કામને કારણે સાબરમતીથી વટવા સુધીના પાયાભૂત માર્ગનું કામ તેમજ મેટ્રો લાઇનના બાંધકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન ચીમનભાઈ પટેલ બ્રિજ ઉપર રેલિંગ અને બ્રિજ મજબૂત કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી વાહનવ્યવહાર માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.
આ કામગીરી દરમિયાન તા. 3 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 12:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી તથા તા. 4 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 12:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી ચીમનભાઈ પટેલ બ્રિજ ઉપર તમામ પ્રકારના વાહનો માટે અવરજવર બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.
ટ્રાફિક ડાયવર્ઝન મુજબ હળવા વાહનો, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર તથા ફોર-વ્હીલર વાહનો માટે સાબરમતી, વાડજ, ગાંધીઆશ્રમ, ગાયત્રી મંદિર, ચાંદખેડા અને રાણીપ તરફના વૈકલ્પિક માર્ગો સૂચવવામાં આવ્યા છે. જ્યારે ભારે વાહનો માટે પણ અલગ વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરી સૂચવેલા માર્ગોનો ઉપયોગ કરવાનો રહેશે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જાહેર કરવામાં આવેલા આ ટ્રાફિક ડાયવર્ઝન દરમિયાન નાગરિકોને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. વાહનચાલકોએ ટ્રાફિક પોલીસના સૂચનોનું પાલન કરી પોતાની મુસાફરીનું આયોજન અગાઉથી કરવું, જેથી ટ્રાફિકની સમસ્યા ટાળી શકાય અને બાંધકામની કામગીરી સરળતાથી પૂર્ણ થઈ શકે.




