જમ્મુ કાશ્મીરના કુલગામમાં 9 દિવસથી ચાલતા એન્કાઉન્ટરમાં 2 જવાન શહીદ, આતંકવાદી ઠાર

જમ્મુ અને કાશ્મીરના કુલગામના અખાલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરનો આજે નવમો દિવસ છે. આખી રાત આ વિસ્તાર જોરદાર વિસ્ફોટો અને ગોળીબારથી ગુંજી ઉઠ્યો. આ દરમિયાન રાત્રે થયેલા ગોળીબારમાં બે સેનાના જવાનો શહીદ થયા હતા, જ્યારે બે અન્ય સૈનિકો ઘાયલ થયા હતા.
અત્યાર સુધી, એન્કાઉન્ટરમાં એક આતંકવાદીનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે કુલ બે સૈનિકો શહીદ થયા છે અને દસ સૈનિકો ઘાયલ થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગાઢ જંગલો અને કુદરતી ગુફા જેવા છુપાયેલા સ્થળોનો લાભ લઈને ઓછામાં ઓછા ત્રણ કે તેથી વધુ આતંકવાદીઓ હજુ પણ છુપાયેલા છે. આ એન્કાઉન્ટર છેલ્લા કેટલાક દાયકાઓમાં સૌથી લાંબો સમય ચાલતું આતંકવાદ વિરોધી ઓપરેશન બની ગયું છે.
ભારતીય સુરક્ષા દળોએ આતંકવાદીઓની શોધમાં 1 ઓગસ્ટે જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં ‘ઓપરેશન અખાલ’ શરૂ કર્યું. આ કાર્યવાહી વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ શરૂ કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે અહીં 2 થી 3 આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.
ભારતીય સેનાના ચિનાર કોર્પ્સ અનુસાર, દક્ષિણ કાશ્મીરના જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગેની માહિતીના આધારે સેના, જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPFની સંયુક્ત ટીમે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.




