ભારતને તગડો ઝટકો, રશિયા-ઈરાન પાસેથી સસ્તું ઓઈલ ખરીદવાની છૂટ અમેરિકાએ સમાપ્ત કરી


વિશ્વ રાજકારણ અને ઉર્જા બજારમાં થયેલા તાજા ફેરફારોને કારણે ભારત માટે તેલ પુરવઠા અંગે નવી ચિંતાઓ ઊભી થઈ રહી છે. રશિયા અને ઈરાન પાસેથી મળતા સસ્તા ક્રૂડ ઓઈલ પર હવે અનિશ્ચિતતા ઊભી થઈ છે. કારણ કે અમેરિકાએ અગાઉ આપેલી છૂટછાટની સમયમર્યાદા પૂર્ણ કરી દીધી છે. આ પગલાંથી ભારતની આયાતની નીતિ પર સીધી અસર જોવા મળી શકે છે. અત્યાર સુધી ભારત આ બંને દેશોથી ઓછા ભાવે ઓઈલ મેળવીને પોતાની ઊર્જા જરૂરિયાતો પૂરી કરી રહ્યું હતું. પરંતુ હવે નવા વિકલ્પોની શોધ કરવી જરૂરી બની શકે છે.
અમેરિકાએ રશિયા અને ઈરાન પાસેથી ઓઈલ ખરીદી માટે આપવામાં આવેલી છૂટછાટ હવે લંબાવવાનો ઇનકાર કર્યો છે. અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ દ્વારા આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. અગાઉ વૈશ્વિક બજારમાં ઓઈલની અછત અને ભાવમાં સ્થિરતા લાવવા માટે આ છૂટ આપવામાં આવી હતી. ખાસ કરીને અમેરિકા-ઈરાન તણાવ અને રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે બજારને સંતુલિત રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ નીતિમાં ફેરફાર આવ્યો છે અને નવી લાયસન્સ સિસ્ટમ લાગુ નહીં કરવામાં આવે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. આ પગલું આંતરરાષ્ટ્રીય રાજકીય દબાણ અને અમેરિકાના આંતરિક રાજકારણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
આ નિર્ણયનો સૌથી મોટો પ્રભાવ ભારત પર પડી શકે છે. કારણ કે ભારતે આ છૂટછાટનો સૌથી વધુ લાભ લીધો હતો. અહેવાલો અનુસાર ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી કરી હતી અને ઘણી ભારતીય રિફાઇનરીઓએ ફરીથી રશિયન સપ્લાયર્સ સાથે સોદા શરૂ કર્યા હતા. હવે આ સસ્તા સ્ત્રોતો બંધ થતા ભારતને ખાડી દેશો અથવા અમેરિકાના બજાર તરફ વળવું પડશે. જ્યાંથી ઓઈલ વધુ મોંઘું પડી શકે છે. પરિણામે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવમાં વધારો થવાની પૂરી શક્યતા છે. આ વધતા ખર્ચનો સીધો પ્રભાવ સામાન્ય જનતા અને ઉદ્યોગો બંને પર પડી શકે છે.
આ પરિસ્થિતિમાં ભારત માટે વિકલ્પો શોધવા અત્યંત જરૂરી બની ગયું છે. એક તરફ ખાડી દેશો સાથેના વેપાર સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ થઈ શકે છે. તો બીજી તરફ વૈકલ્પિક પેમેન્ટ સિસ્ટમ્સ જેમ કે રૂપિયા-રૂબલ વ્યવસ્થા પર વિચારણા થઈ રહી છે. આ મોડલ દ્વારા ભારત અમેરિકન પ્રતિબંધોની અસરથી બચી શકે છે અને રશિયા સાથે વેપાર ચાલુ રાખી શકે છે. ઉપરાંત લાંબા ગાળે ભારતને ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા, નવનવી ઉર્જા સ્ત્રોતો તરફ વળવા અને આયાત પરની નિર્ભરતા ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ પરિસ્થિતિ ભારત માટે પડકારરૂપ હોવા છતાં નીતિગત સુધારાઓ માટે એક તક પણ બની શકે છે.




