કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ


ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર દરમિયાન પેથાપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવવા, પોલીસ ઇન્સ્પેક્ટરના કામમાં અવરોધ ઉભો કરવા અને સમુદાયો વચ્ચે તણાવ ભડકાવવાના પ્રયાસના આરોપમાં કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને અન્ય સાત લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. એફઆઈઆર મુજબ, આ ઘટના 9 ઓક્ટોબરના રોજ બની હતી જ્યારે વોર્ડ નંબર ચારના કોંગ્રેસના ઉમેદવાર યુનુસ પરમારને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. તેમના અને તેમના સાથીઓ પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રચારકને ધમકી આપવાનો આરોપ હતો.
પેથાપુરના પોલીસ સ્ટેશન ઓફિસર (પીએસઓ) એ પુષ્ટી કરી કે રવિવારે રાત્રે મેવાણી અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. તેમણે કહ્યું કે આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. પીટીઆઈના રિપોર્ટ અનુસાર, પેથાપુર પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. દેસાઈ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદ મુજબ, પરમાર અને તેમના સાથીઓએ 9 ઓક્ટોબરના રોજ રાત્રે 10 વાગ્યે પેથાપુરના સંજરી પાર્ક ખાતે ભાજપના ઉમેદવારના પ્રચારક ભાવેશ ભાવસારને ધમકી આપી હતી.
તેઓએ કથિત રીતે ભાવસારને ધમકી આપી હતી કે જો તેઓ આ વિસ્તારમાં પ્રવેશ કરશે અથવા પ્રચાર કરશે તો ગંભીર પરિણામો ભોગવવા પડશે. એફઆઈઆર મુજબ, ત્યારબાદ પરમાર અને અન્ય અજાણ્યા સાથીઓ વિરુદ્ધ પેથાપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
ત્યારબાદ એફઆઈઆરમાં જણાવ્યા મુજબ, પરમાર અને અજાણ્યા સાથીઓ વિરુદ્ધ પેથાપુર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દેસાઈએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ તેમની સત્તાવાર ફરજોના ભાગ રૂપે ફરિયાદના સંદર્ભમાં પરમારની પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે મેવાણી અને અન્ય આરોપીઓએ ગેરકાયદેસર ટોળું બનાવી પોલીસ સ્ટેશનના રાઈટર રૂમમાં ઘૂસી ગયા હતા. ફરિયાદ મુજબ, તેઓએ કથિત રીતે દેસાઈને તેમની કાનૂની ફરજો બજાવતા રોક્યા હતા. અપશબ્દો બોલ્યા હતા, હોબાળો મચાવ્યો હતો અને બળજબરીથી તેમને પરમારનું નિવેદન નોંધતા અટકાવ્યા હતા. આરોપીઓ, અન્ય સમર્થકો સાથે પોલીસ સ્ટેશનની બહાર બેસીને ઠાકોર સમુદાય વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આ કૃત્યોનો હેતુ લોકોને પોલીસ વિરુદ્ધ ઉશ્કેરવાનો અને પોલીસને બદનામ કરવાનો હતો, જેનાથી જાહેર શાંતિ ભંગ થાય અને સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવાનો હતો. એફઆઈઆરમાં એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે આરોપીઓએ આ ઘટનાનું રેકોર્ડિંગ મોબાઇલ ફોન પર કર્યું હતું અને વિવિધ સમુદાયો વચ્ચે દુશ્મનાવટ ઊભી કરવા અથવા પ્રોત્સાહન આપવાના હેતુથી ફૂટેજ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.




