107 દિવસ બાદ અમેરિકા-ઈરાન વચ્ચેનું યુદ્ધ સમાપ્ત, ટ્રમ્પે શાંતિ કરારની કરી જાહેરાત


અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈરાન સામેના યુદ્ધના અંતની જાહેરાત કરતા લખ્યું કે ઈરાન સાથેનો કરાર પૂર્ણ થઈ ગયો છે. સૌને અભિનંદન. તેમણે આગળ લખ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ હવે ખુલશે. તેમણે ઉમેર્યું કે ત્યાં અમેરિકન નૌકાદળની નાકાબંધી પણ સમાપ્ત થશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ટ્રમ્પે કહ્યું હતું કે, “હું આ કરારમાં સામેલ તમામ પક્ષોનો આભાર માનું છું.” જોકે, ઈરાને હજુ સુધી આ કરાર પર કોઈ ટિપ્પણી કરી નથી. ટ્રમ્પની જાહેરાતના થોડા સમય પછી બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી રહેલા પાકિસ્તાને પણ કરાર પૂર્ણ થવાની પુષ્ટી કરી છે.
ટ્રમ્પે કહ્યું હતું કે, “હું હોર્મુઝ સ્ટ્રેટને ટોલ-ફ્રી ખોલવાની જાહેરાત કરું છું. આ સાથે હું હોર્મુઝથી યુએસ નૌકાદળને હટાવી રહ્યો છું. વિશ્વના જહાજોએ હવે તેમના એન્જિન શરૂ કરવા જોઈએ. તેલનો વેપાર ચાલુ રહેવા દો.”
અમેરિકા અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક શાંતિ કરાર બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને ટોલ-ફ્રી ખોલવાની જાહેરાત કરી હતી અને યુએસ નૌકાદળની નાકાબંધી તાત્કાલિક હટાવવાનો સત્તાવાર આદેશ જાહેર કર્યો છે. જોકે, ઈરાને હજુ સુધી આ કરાર અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી. ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ કહ્યું કે સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ ટૂંક સમયમાં અમેરિકા સાથે યુદ્ધવિરામ કરાર અંગે સત્તાવાર નિવેદન બહાર પાડશે.
પાકિસ્તાનના પીએમએ પણ પુષ્ટી કરી
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા સત્તાવાર રીતે કરારની પુષ્ટી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર થયો છે. બંને પક્ષોએ લેબનોન સહિત તમામ મોરચે લશ્કરી કાર્યવાહી તાત્કાલિક અને કાયમી બંધ કરવાની જાહેરાત કરી છે. તેમણે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટનો રાજદ્વારી ઉકેલ શોધવા માટે અમેરિકા અને ઈરાનની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી અને આ શાંતિ પ્રયાસમાં તેમના સમર્થન બદલ તમામ સાથીઓનો આભાર વ્યક્ત કર્યો.
સ્વિટ્ઝર્લૅન્ડમાં હસ્તાક્ષર સમારોહ યોજાશે
પાકિસ્તાની પીએમનું કહેવું છે કે આ કરારમાં કતાર, સાઉદી અરેબિયા અને તુર્કીએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. શાહબાઝ શરીફના જણાવ્યા મુજબ, આ અઠવાડિયે અમલીકરણ પૂર્વેની ચર્ચાઓ પછી બંને દેશોના પ્રતિનિધિમંડળો 19 જૂને સ્વિટ્ઝર્લૅન્ડમાં મળશે અને કરાર પર સત્તાવાર રીતે હસ્તાક્ષર કરશે.



