નવરાત્રીમાં ઘરે ઘટસ્થાપના કઈ રીતે કરવાની હોય ? ઘરમાં અખંડ દીવો કરો તો આ વાતનું રાખવું ધ્યાન


રવિવાર અને 11 ઓક્ટોબરથી નવરાત્રી શરુ થવા જઈ રહી છે. રવિવારથી ઘરમાં ઘટસ્થાપના થાય છે અને માતાજી સામે અખંડ દીવો કરવાનો હોય છે. માતાજીનો અખંડ દીવો કરવાની અને ઘટસ્થાપના કરવાની વિધિ શું હોય ચાલો તમને જણાવીએ. નવરાત્રીના પહેલા દિવસની પૂજાની તૈયારી અત્યારથી કરી લેશો તો રવિવારે શુભ મુહૂર્તમાં પૂજા સંપન્ન કરવી સરળ રહેશે.
રવિવારે ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત
આ વર્ષે નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપના કરવાના 2 શુભ મુહૂર્ત છે. જેમાં પહેલું મુહૂર્ત રવિવારે સવારે 6.19 મિનિટે શરુ થશે. સવારનું મુહૂર્ત 10.12 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ અભિજીત મુહૂર્ત સવારે 11.44 મિનિટે શરુ થશે જે 12.13 સુધી રહેશે.
ઘરમાં ગરબાની સ્થાપનાની વિધિ
– ઘરના ઈશાન ખૂણાને ઘટસ્થાપના માટે સાફ કરો. જો ઈશાન ખૂણામાં સ્થાપના થાય તેવું ન હોય તો ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં સ્થાપના કરી શકો છો. ઘટસ્થાપના માટે લાકડાનું બાજોઠ રાખી તેના પર લાલ વસ્ત્ર પાથરવું. તેના પર માટીનું મોટું કોડીયું રાખી તેમાં માટી ભરી તેમાં જવ છાંટવા. જવ ઉપર થોડી માટી છાંટી તેમાં પાણી ઉમેરવું. ત્યારબાદ માટીના પાત્ર ઉપર તાંબા કે પિત્તળનો કળશ રાખો. કળશ પર કંકુ ચોખા કરી તેના પર નાળાછડી બાંધવી અને તેમાં શુદ્ધ જળ ભરવું. કળશમાં 5 આંબાના પાન રાખી તેના પર જટાવાળા નાળિયેરમાં લાલ ચુંદડી બાંધી રાખવું. ત્યારબાદ હાથમાં ચોખા લઈ ગણેશજી અને માં દુર્ગાનું સ્મરણ કરી નવરાત્રીની પૂજાનો સંકલ્પ કરો.
ઘરમાં માટીના ગરબાની સ્થાપના
જો તમે નવરાત્રીમાં ઘરમાં માટીના ગરબાની સ્થાપના કરો છો તો ઘરના મંદિરને સાફ કરી મંદિરમાં એક ઈંઢોણી મુકી તેના પર માટીનો ગરબો પધરાવી શકો છો. માટીના ગરબામાં કોઈપણ અનાજ ભરવું સાથે તેમાં સોપારી અને સિક્કો મુકવો. ગરબાની અંદર કોડીયામાં ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો હોય છે.
નવરાત્રીનો અખંડ દીવો કરવાની વિધિ
અખંડ દીવા માટે મોટું પાત્ર પસંદ કરવું. અખંડ દીવામાં ઊભી વાટનો ઉપયોગ કરવો. દીવો મુકતા પહેલા આખા ચોખા રાખવા અને તેના પર કોડીયું રાખી તેમાં દીવો પ્રજ્વલિત કરવો. દીવાને પવન ન લાગે તે માટેની વ્યવસ્થા કરવી. ઘરમાં જો અખંડ દીવો કરો તો પછી ઘર ખાલી ન રહે તે વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘરમાં કોઈને કોઈ હોય તે જરૂરી હોય છે. અખંડ દીવો તેલ કે ઘી કોઈપણનો કરી શકો છો. અખંડ દીવામાં લાલ દોરાની વાટ કરવી શુભ ગણાય છે.




