મહિલાઓ સામેના અત્યાચાર અને સમાજની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવતી ગુજરાતી શોર્ટ ફિલ્મ ‘ઝાંઝર’નું વિશેષ સ્ક્રીનિંગ યોજાયું


આ મારી સમસ્યા નથી’ જેવી માનસિકતા સામે અવાજ ઉઠાવતી ફિલ્મ ‘ઝાંઝર’ સમાજને આત્મમંથન કરવા પ્રેરશે
અમદાવાદ: મહિલાઓ સામે થતા અત્યાચાર, અન્યાય અને આવી ઘટનાઓ સામે સમાજની ચૂપકીદી જેવા ગંભીર સામાજિક વિષયને રજૂ કરતી ગુજરાતી શોર્ટ ફિલ્મ ‘ઝાંઝર’નું વિશેષ સ્ક્રીનિંગ અમદાવાદ ખાતે યોજાયું.HBV Film દ્વારા રજૂ કરવામાં આવી રહેલી આ ફિલ્મ સમાજની એક એવી માનસિકતા સામે સવાલ ઉઠાવે છે, જેમાં લોકો પોતાની સામે અન્યાય થતો જોતા હોવા છતાં ‘આ મારી સમસ્યા નથી’ કહીને મૌન ધારણ કરી લે છે.
‘ઝાંઝર’ એક સામાજિક જાગૃતિ લાવવાના હેતુથી બનાવવામાં આવેલી શોર્ટ ફિલ્મ છે. ફિલ્મની વાર્તા ભક્તિ નામની યુવતી સાથે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાની આસપાસ આકાર લે છે. એક ભયાનક ગુનાનો ભોગ બનેલી ભક્તિ માટે ન્યાયનો પ્રશ્ન ત્યારે વધુ ગંભીર બને છે, જ્યારે તેનો ભાઈ દેવ અજાણતાં જ ઘટનાસ્થળે ગુનેગારોને જુએ છે. જોકે, ગુનેગારોની ધમકીથી ડરીને દેવ ત્યાંથી જતો રહે છે અને કોઈ પગલું ભરતો નથી.
પરંતુ ત્યારબાદ દેવને જ્યારે ખબર પડે છે કે ઘટનાસ્થળે તેણે જે યુવતીના પગ જોયા હતા, તે તેની પોતાની બહેન ભક્તિ હતી, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. આ ઘટનાથી દેવની માનસિક સ્થિતિ અને તેની અંદર ઊભો થતો અફસોસ ફિલ્મની વાર્તાને એક ભાવનાત્મક વળાંક આપે છે.
ફિલ્મ ‘ઝાંઝર’ માત્ર એક ગુનાની વાત નથી કરતી, પરંતુ ગુનાની સામે મૌન રહેનારા સમાજની માનસિકતા પર પણ ગંભીર સવાલ ઉઠાવે છે. જો કોઈ વ્યક્તિ અન્યાય થતો જોઈને પણ અવાજ ન ઉઠાવે, તો શું તે અજાણતાં અન્યાયને પ્રોત્સાહન નથી આપતી? શું માત્ર એટલા માટે ચૂપ રહેવું યોગ્ય છે કે ઘટના આપણી સાથે બની નથી?
આવા અનેક મહત્વપૂર્ણ સવાલો દ્વારા ફિલ્મ દર્શકોને વિચારતા કરે છે કે મહિલાઓની સુરક્ષા અને ન્યાય માત્ર કોઈ એક વ્યક્તિ કે પરિવારની જવાબદારી નથી, પરંતુ સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે.
ફિલ્મના લેખક અને દિગ્દર્શક હર્ષ બી. વણઝારાએ આ વિષય અંગે જણાવ્યું હતું કે, “આજના સમયમાં મહિલાઓ સામે થતા અત્યાચારની ઘટનાઓ માત્ર ચિંતાનો વિષય નથી, પરંતુ આવી ઘટનાઓ સામે સમાજનું મૌન પણ એટલું જ ગંભીર છે. ઘણી વખત લોકો પોતાની સામે કંઈક ખોટું થતું જોતા હોવા છતાં ‘આ મારી સમસ્યા નથી’ એવું વિચારીને આગળ વધી જાય છે. પરંતુ જ્યારે અન્યાય સામે કોઈ અવાજ ઉઠાવતું નથી, ત્યારે અન્યાય કરનારાઓને વધુ હિંમત મળે છે. ‘ઝાંઝર’ના માધ્યમથી મારો પ્રયાસ સમાજને આ માનસિકતા વિશે વિચારવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે પ્રેરિત કરવાનો છે.”




