National

બિસલેરીના પાણીના સેમ્પલમાં ખામી, કેન્સરકારક તત્વો મળતાં FSSAIની કંપની સામે કેસ ચલાવવાની મંજૂરી!

દેશની સૌથી મોટી પાણી ઉત્પાદક કંપની Bisleri સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ખાદ્ય સુરક્ષા માટે જવાબદાર સરકારી સંસ્થા FSSAI એ રવિવારે બિસ્લેરી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે. આ નિર્ણય એવા બે અલગ-અલગ કિસ્સાઓ બાદ લેવામાં આવ્યો છે જેમાં કંપનીનું પાણી ટેસ્ટમાં ફેલ થઇ ગયો હતુ. બીજા શબ્દોમાં કહીએ તો, બિસ્લેરીનું પાણી પીવા માટે અયોગ્ય હોવાનું જણાયું છે.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે પાણીમાં બ્રોમેટનું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધુ હતું, જે સ્તર સ્વાસ્થ્ય માટે જોખમી ગણાય છે. કંપની દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યા બાદ બીજું પરીક્ષણ કરવામાં આવ્યું, પરંતુ તેમાં પણ પાણી અસુરક્ષિત હોવાનું જણાયું. આ વખતે તેમાં કેન્સર પેદા કરતા પદાર્થો, જેને PAHs તરીકે ઓળખવામાં આવે છે, તે પણ મળી આવ્યા. મહત્વની વાત એ છે કે, પાણીના સેમ્પલ ખુલ્લા બજારમાંથી નહીં, પરંતુ સીધા Bisleri કંપનીના પરિસરમાંથી લેવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે બ્રોમેટ અને PAHs બંનેને કેન્સર સાથે સંકળાયેલા પદાર્થોની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. બિસ્લેરી સામે લેવામાં આવેલા પગલાં અંગે, FSSAI એ જણાવ્યું છે કે આ પાણી પીવાલાયક નથી અને ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ (FSS) એક્ટ, 2006’ હેઠળ કંપની સામે કેસ દાખલ કરવામાં આવશે. જોકે, કંપનીએ આ અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

50 વર્ષથી વધુ જૂની બ્રાન્ડ સામે લેવામાં આવેલા આ પગલાથી ઘણા લોકો આશ્ચર્યચકિત થયા છે. જોકે, FSSAI એ માત્ર બિસલેરીને જ નિશાન નથી બનાવી; તેણે અન્ય ઘણી કંપનીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરી છે. FSSAI એ ‘વસંત મસાલા પ્રાઇવેટ લિમિટેડ’, ‘ટિટ-બિટ ફૂડ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ’, ‘મીમાંસા ઇન્ડસ્ટ્રીઝ’, ‘આશા કન્ફેક્શનરી’ અને અન્ય ખાદ્ય કંપનીઓ સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે તેમજ તેમના ઉત્પાદનોને બજારમાંથી રીકોલ કરવા માટેના પગલાં લીધાં છે.

નોંધનીય છે કે, નિયમોનું પાલન ન કરવા બદલ FSSAIએ ‘ઉર્મિ લાઈફસાયન્સ’ અને ‘ગૌર આયુર્વેદિક સ્ટોર’ના લાયસન્સ સ્થગિત કરી દીધા છે. આ ઉપરાંત, FSSAIએ ‘આશા કન્ફેક્શનરી’ સામે પ્રોડક્ટ રિકોલ કરવાના આદેશ જારી કર્યો છે, જેમાં કંપનીને તેના ચોકલેટ ભરેલા પ્રી-પેકેજ્ડ બિસ્કિટ બજારમાંથી પાછા ખેંચવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે, કારણ કે તે અસુરક્ષિત હોવાનું જણાયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button