નવસારીરમાં SMCની ટીમ પર શાર્પશૂટર ગેંગે કર્યું ફાયરિંગ, હોટલમાં દરોડા દરમિયાન ઘર્ષણ


નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં શુક્રવારે મોડી રાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) અને કુખ્યાત શાર્પશૂટર ગેંગના ઈસમો વચ્ચે ઘર્ષણ થયું હતું. હથિયારોની ડિલિવરી કરવા આવેલા ઈસમોને ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ પર ગેંગે ગોળીબાર કરતાં પોલીસે પણ સ્વ-બચાવમાં વળતું ફાયરિંગ કર્યું હતું.
મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, શાર્પશૂટર ગેંગના સભ્યો હથિયારોની આપ-લે કરવા માટે બીલીમોરાની એક હોટેલમાં રોકાયા છે. SMCની ટીમ અને અન્ય એજન્સીઓ આ ઈસમોને ઝડપવા માટે હોટલ પર પહોંચી હતી. પોલીસે ઘેરાબંધી કરતા જ ગેંગના ઈસમોએ પોલીસ પર ગોળીબાર કર્યો હતો. જોકે, પોલીસે પણ પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સ્વ-બચાવ માટે વળતો ફાયરિંગ કર્યો હતો.
પોલીસ દ્વારા કરાયેલા ફાયરિંગમાં હથિયારો આપવા આવેલા પાંચ ઈસમો પૈકીના એક શખ્સને પગના ભાગે ગોળી વાગી હતી. ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.




