અમદાવાદ: ચાંદખેડામાં બે માસૂમ બાળકીઓના મોત મામલે નવો વળાંક; FSL રિપોર્ટમાં કંઈ વાંધાજનક ન મળતા રહસ્ય ઘેરાયું


ચાંદખેડા વિસ્તારમાં ખીરુંના ઢોસા ખાધા બાદ બે માસૂમ બાળકીઓ, રાહા અને મિસ્ટીના મોતના કેસે સમગ્ર શહેરમાં ચકચાર મચાવી હતી. આ મામલે લેબોરેટરીમાં મોકલવામાં આવેલા સેમ્પલ્સનો FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) રિપોર્ટ સામે આવી ગયો છે. જોકે, આ રિપોર્ટ બાદ તપાસ વધુ જટિલ બની હોય તેમ લાગી રહ્યું છે.FSL રિપોર્ટમાં કાંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી. રિપોર્ટમાં કંઈ વાંધાજનક ન મળતા હવે પોલીસ તપાસ અટવાઈ છે.
બાળકીઓના માતા-પિતા વિમલભાઈ અને ભાવનાબેનને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ 13મી એપ્રિલે બપોરે 2 વાગ્યાથી મોડી રાત સુધી ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જોકે, પૂછપરછ દરમિયાન માતા-પિતાએ એક જ વાતનું રટણ ચાલુ રાખ્યું હતું કે ખીરું ખાધા બાદ જ બાળકીઓની તબિયત બગડી હતી અને તેમના મોત થયા હતા. પોલીસે ખીરું વેચનાર વેપારીઓની પણ પૂછપરછ કરી હતી જેથી એ જાણી શકાય કે ખીરું ક્યાંથી આવ્યું હતું અને તેમાં કોઈ ભેળસેળ હતી કે કેમ.
આ ઘટના અંગે ચાંદખેડા પોલીસના જણાવ્યાનુસાર, તપાસ દરમિયાન પોલીસને એક ડાયરી મળી આવી હતી જેમાં પુત્ર પ્રાપ્તિ અંગેની વાતો લખેલી હતી. આ અંગે માતા ભાવનાબેનની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘મને પહેલેથી જ એક દીકરી હતી, તેથી જો બીજું બાળક દીકરો આવે તો પરિવાર પૂર્ણ થાય તેવી દરેક મધ્યમવર્ગીય પરિવાર જેવી એક સામાન્ય ઈચ્છા હતી. આ બાબતને કોઈ અંધશ્રદ્ધા કે અન્ય શંકાસ્પદ એન્ગલ સાથે અત્યારે સાંકળવામાં આવી નથી.’
ત્યારે FSL રિપોર્ટમાં કંઈ વાંધાજનક ન મળતા હવે પોલીસ તપાસ અટવાઈ છે. બંને બાળકીઓના મોત કેવી રીતે થયા? તે પોલીસ માટે મોટો પડકાર બની ગયો છે.




