6 મહિના માટે અમદાવાદનો આ બ્રિજ ફરી કરાયો બંધ


હાલ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ રાજ્યના તમામ બ્રિજોની ચકાસણી હાથ ધરવામાં આવી છે, ત્યારે થોડા મહિના પહેલા જ સમારકામ કરાયેલા નારોલ-વિશાલાને જોડતા શાસ્ત્રી બ્રિજને ફરી એક વાર બંધ કરવામાં આવશે. શાસ્ત્રી બ્રિજના નારોલથી વિશાલા જતાં બ્રિજ પર બેરીંગ અને પેડેસ્ટલ રોડ ડેમેજ હોવાનો રિપોર્ટ આવતા બ્રિજ 6 મહિના માટે બંધ રહેશે.
નારોલ જંકશન થી વિશાલાને જોડતા શાસ્ત્રીબ્રીજની એક તરફની બેરીંગ અને પેડેસ્ટલ રોડ ડેમેજ હોવાનો રિપોર્ટ આવતા તાત્કાલિક રીપેર કરવાની જરૂરિયાત હોવાથી આગામી 6 મહિના માટે આ બ્રીજને બંધ કરવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નારોલ તરફથી આવતા વાહનોને પિરાણાથી ડાયવર્ટ કરવા માટે સુચના આપવામાં આવી છે.
નારોલ અને વિશાલા સર્કલને જોડતા શાસ્ત્રીબ્રીજ પરથી પ્રતિદિન હજારો વાહન પસાર થાય છે. આ બ્રીજની નારોલથી વિશાલા સર્કલ જતા બ્રીજની બાજુની કેટલીક બેરીંગ અને પેડેસ્ટલ જર્જરીત થયાનો રિપોર્ટ હાઇવે ઓથોરીટી દ્વારા આપવામાં આવ્યો છે. જેથી આ બ્રીજનું સમારકામ તાત્કાલિક શરૂ કરવાનું હોવાથી બ્રીજને ભારે વાહન અને પેસેન્જર વાહનો માટે બંધ કરાશે. જે અનુસંધાનમાં પોલીસ કમિશનર જી એસ મલિકે એક જાહેરનામું બહાર પાડયું છે. જેમાં ૯ ઓગસ્ટ ૨૦૨૫થી ૮ ફેબ્રુઆરી 2026 સુધી નારોલથી વિશાલા સર્કલનો જોડતો બ્રીજ બંધ રહેશે. જેથી નારોલ તરફથી આવતા વાહનો પીરાણા સર્કલથી બહેરામપુરા થઇને આંબેડકર બ્રીજથી અંજલી સર્કલથી આવી શકશે.