GUJARAT

500 કરોડની જમીન પર બનેલો આસારામ આશ્રમ તૂટશે, 45,000 ચો.મીથી વધુ જમીન પાછી લેવા HCની મંજૂરી

અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા આસારામના આશ્રમને લઈને મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા બાદ રાજ્ય સરકારને આશ્રમ પાસેની જમીન પરત લેવા માટે મંજૂરી આપી છે. આ ચુકાદા હેઠળ આશ્રમ પાસેથી અંદાજે 45000 ચોરસ મીટર જમીન સરકાર હસ્તગત કરી શકશે.

હાઇકોર્ટના આદેશ બાદ મોટેરા આશ્રમ પર કરવામાં આવેલા 30થી વધુ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી સરકાર અને તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એક તપાસમાં ખુલ્યું છે કે સરકારી જમીન પર કોઈ મંજૂર પ્લાન વગર આશ્રમ દ્વારા અનેક માળખાં ઉભા કરવામાં આવ્યા હતા. જેને કાયદેસર સાબિત કરી શકાય તેમ નથી.

આ સમગ્ર મામલે તંત્રએ આશ્રમને છ મહિના અગાઉ નોટિસ ફટકારી હતી. તેના જવાબમાં આશ્રમ દ્વારા ગેરકાયદે બાંધકામોને કાયદેસર બનાવવા ઇમ્પેક્ટ ફી ભરવાની અરજી કરવામાં આવી હતી. પરંતુ સત્તાધિકારીઓએ તે અરજી નામંજૂર કરી દીધી હતી. હાલ આ મુદ્દે આશ્રમ તરફથી ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (GUDA)માં અરજી કરાઈ છે. અધિકારીઓનું કહેવું છે કે GUDA તરફથી અંતિમ નિર્ણય આવ્યા બાદ તમામ ગેરકાયદે એકમો સામે ડિમોલિશનની કડક કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વની વાત એ છે કે આ જમીનનો ઉપયોગ ભવિષ્યમાં મોટા વિકાસકાર્યો માટે કરવામાં આવશે. સરકારની યોજના મુજબ કોમનવેલ્થ 2030 પહેલા આ સ્થળ પર ઇન્ટરનેશલ લેવલનું એક મોડર્ન સ્ટાઈલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરવામાં આવશે. આ પ્રોજેક્ટ સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવનો ભાગ બનશે. જેનાથી શહેરની રમતગમત સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

હાઇકોર્ટના આ ચુકાદા બાદ હવે મોટેરા વિસ્તારમાં વિકાસને લઈને નવી દિશા ખુલતી જોવા મળી રહી છે અને મ્યુનિસિપલ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button