Top In Ahmedabad

નર્મદા પરિક્રમા પૂર્ણ કર્યા બાદ અમદાવાદના યુવકનું મોત, ઘાટલોડિયામાં ચલાવતા હતા કોચિંગ ક્લાસ

અમદાવાદમાં એન્જિનિયરિંગના કોચિંગ ક્લાસ ચલાવતા મૂળ વડોદરાના યુવાનનું નર્મદા પરિક્રમા કર્યા બાદ તબિયત લથડતા મોત નિપજ્યું હતું. મોતનું કારણ જાણવા માટે પોલીસે પીએમ પણ કરાવ્યું હતું.

નર્મદા પરિક્રમા પૂર્ણ કર્યા પછી યુવાનનું મોત

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સિમરાજ એવન્યૂ ખાતે રહેતા દેવલ મહેન્દ્રભાઈ સુથાર(ઉ.વ. 40) ઘાટલોડિયા વિસ્તારમાં જ શ્રીજી એન્જિનિયરિંગ ક્લાસના નામથી કોચિંગ ક્લાસ ચલાવતા હતા. તેઓ ગઈકાલે ત્રણ મિત્રો સાથે નર્મદા પરિક્રમા માટે નર્મદા જિલ્લામાં આવ્યા હતા. રામપુરા ઘાટ પાસેથી નર્મદા પરિક્રમા શરૂ કરી મોડી રાત્રે પૂર્ણ કર્યા બાદ રામપુરા ઘાટ પાસે જ મિત્રો સાથે બેસી આરામ કરી સવારે નીકળવાનું નક્કી કર્યું હતું. દરમિયાન તેઓ લઘુશંકા જવા માટે નીકળ્યા અને અચાનક ઢળી પડ્યા હતા. તેમને ઊલટીઓ શરૂ થઈ જતા અન્ય મિત્રોને બોલાવી લેતા તાત્કાલિક રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.

બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

આ સાથે જ પરિવારજનોમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો. વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારના મૂળ વતની પરંતુ હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા દેવલભાઈને એક પુત્ર અને એક પુત્રી તેમજ પત્ની છે. રાજપીપળા પોલીસે આ અંગે અકસ્માત મોતની નોંધ કરી મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમ પણ કરાવ્યું હતું.

વડોદરાના મૂળ વતની પરંતુ હાલ અમદાવાદમાં સ્થાયી થયેલા દેવલભાઈના પિતા મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે રામપુરાઘાટ પાસે મારો પુત્ર પડી ગયો ત્યારે તેનો મોબાઈલ તેમજ હાથમાં વીંટી સહિતના કેટલાક દાગીના પણ ગુમ થઈ ગયા હતા તેણે અન્ય પરિક્રમાવાસીઓના મોબાઈલથી તેના મિત્રને જાણ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button