GUJARAT

ગુજરાતમાં એક બાદ એક 4 કોર્ટને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટ પરિસરમાં સર્ચ ઓપરેશન

સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા બે દિવસથી અજાણ્યા તત્વો દ્વારા ઈમેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ આપવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે શહેરની જાણીતી શાળાઓને નિશાન બનાવ્યા બાદ, આજે મંગળવારે સવારે વડોદરાની દિવાળીપુરા સ્થિત જિલ્લા અદાલતને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈમેલ મળતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.

ધમકીની જાણ થતા જ પોલીસનો કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને ડોગ સ્ક્વોડ સાથે દિવાળીપુરા કોર્ટ ખાતે પહોંચી ગયા હતા. પોલીસ પહોંચે તે પહેલા સાવચેતીના ભાગરૂપે કોર્ટના મેન એન્ટ્રી ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ પરિસરમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અકોટા પોલીસ સ્ટેશનના પી.આઈ.એ જણાવ્યું હતું કે, “અમને ઈમેલ દ્વારા ધમકી મળી હોવાની માહિતી મળતા જ અમે સ્થળ પર પહોંચ્યા છીએ અને સુરક્ષાના તમામ માપદંડો સાથે તપાસ કરી રહ્યા છીએ.”

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સોમવારે વડોદરાની અનેક નામાંકિત શાળાઓને પણ આ પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાના ઈમેલ મળ્યા હતા. આખો દિવસ પોલીસ શાળાઓમાં તપાસ કરતી રહી હતી, પરંતુ તપાસના અંતે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. મોડી સાંજે કારેલીબાગ વિસ્તારની બ્રાઈટ સ્કૂલ ને પણ આવો જ ધમકીભર્યો મેસેજ મળતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

તંત્ર માટે પડકારરૂપ સ્થિતિ

એક પછી એક સંસ્થાઓને મળી રહેલી આ ધમકીઓને પગલે વડોદરા પોલીસ એક્શન મોડમાં છે. સાયબર ક્રાઈમની ટીમ આ ઈમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ કોઈની મજાક અથવા શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ હોવાનું જણાય છે, પરંતુ પોલીસ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતી નથી.

હાલમાં કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને દરેક ખૂણે તપાસ કરવામાં આવી રહી છે. વારંવાર મળતી આ ધમકીઓને કારણે શહેરીજનોમાં ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.

જુની હાઇકોર્ટ, ગાંધીનગર તથા વલસાડ કોર્ટને પણ ધમકી

અત્રે ઉલ્લેખનીય છે કે, જે પ્રકારે ગઇકાલે શાળાઓને તબક્કાવાર એક પછી એક મેઇલ મળી રહ્યા હતા તે પ્રકારે આજે કોર્ટ મામલે પણ એક પછી એક તબક્કાવાર ઇમેઇલ મળવા લાગ્યા હતા. વડોદરાની કોર્ટ બાદ અમદાવાદમાં આવેલી જુની હાઇકોર્ટ ઉપરાંત ગાંધીનગર તથા વલસાડની કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેના પગલે તમામ સ્થળે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. ડોગસ્કવોર્ડ, BDDS (બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોર્ડ), સ્થાનિક પોલીસ ઉપરાંત પણ આસપાસનાં પોલીસ સ્ટેશનનાં જવાનોનો પહેરો ગોઠવી દેવાયો હતો. ઉપરોક્ત તમામ કોર્ટ સંકુલોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનમાં બાધા ન આવે તે માટે તમામ કોર્ટ સંકુલોને ખાલી કરાવીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button