GUJARAT

ગુજરાતમાં એક સાથે ત્રણ-ત્રણ સિસ્ટમ સક્રિય; આ 4 જિલ્લાઓમાં કમોસમી વરસાદની ભયાનક આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ એમ કુલ એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે વાતાવરણમાં આ ફેરફાર નોંધાઈ રહ્યો છે. આ સિસ્ટમોને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઉત્તર-પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.

18 ફેબ્રુઆરીના રોજ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ચાર મુખ્ય જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જેમાં સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે. ખેડૂતો માટે આ કમોસમી વરસાદ ચિંતાનો વિષય બની શકે છે.

હવામાન વિભાગે વરસાદની સાથે આગામી દિવસો માટે તાપમાનનો અંદાજ પણ રજૂ કર્યો છે. આગામી 48 કલાક મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ (48 કલાક પછી) મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. આગામી 3 દિવસ લઘુત્તમ તાપમાનમાં પણ 2 થી 3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળશે. 

19 ફેબ્રુઆરીથી 24 ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે, જે નાગરિકોને કમોસમી વરસાદથી રાહત આપશે. વરસાદ અને તેજ પવનની આગાહીને જોતા માર્કેટિંગ યાર્ડમાં રહેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા અને ખેડૂતોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એકતરફ શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને બપોરે ગરમી વર્તાઈ રહી છે. પરંતુ ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને રવિ પાક જેવા કે ઘઉં, જીરું અને રાયડાના પાકને આ માવઠાથી નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેતરોમાં તૈયાર ઊભો પાક પલળી જવાથી ગુણવત્તા બગડવાનો ડર પેસી ગયો છે. આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button