National

દેશમાં PNG કનેક્શનની નવી અરજીઓને માત્ર 24 કલાકની અંદર મંજૂરી, કેન્દ્ર સરકારે આપ્યો આ આદેશ 

દેશમાં વધી રહેલી એલપીજી (LPG) સિલિન્ડરની માગ અને સપ્લાય પરના દબાણને જોતા કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું  છે. સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે પાઇપલાઇન ગેસ (PNG) કનેક્શન માટેની નવી અરજીઓને હવે માત્ર 24 કલાકની અંદર મંજૂરી આપવામાં આવે. સરકારનો ઉદ્દેશ્ય વધુમાં વધુ લોકોને સિલિન્ડરના બદલે પાઇપલાઇન ગેસ તરફ વાળવાનો છે, જેથી ઘરેલુ ગેસ પરનું ભારણ ઓછું કરી શકાય.

રોડ રેસ્ટોરેશન ચાર્જ માફીની સલાહ

કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને પત્ર લખીને જણાવ્યું છે કે પાઇપલાઇન સાથે જોડાયેલા તમામ જૂના પેન્ડિંગ કેસોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે. આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે ‘રોડ રેસ્ટોરેશન ચાર્જ’ (રસ્તો ખોદ્યા બાદ રિપેરિંગનો ખર્ચ) માફ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત, કામમાં કોઈ અવરોધ ન આવે તે માટે દરેક રાજ્યમાં એક નોડલ ઓફિસરની નિમણૂક કરવાના આદેશ અપાયા છે.

પેટ્રોલિયમ મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી છે કે, દેશમાં ક્રૂડ ઓઈલ અને પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા સામાન્ય છે. LPG સપ્લાય પર થોડું દબાણ ચોક્કસ છે, પરંતુ ક્યાંય ડિસ્ટ્રીબ્યુટર પાસે ગેસ સંપૂર્ણપણે ખતમ થઈ ગયો હોય તેવી સ્થિતિ નથી. મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે, ગભરાઈને એડવાન્સ બુકિંગ ન કરે અને શક્ય હોય ત્યાં સુધી ઓનલાઇન બુકિંગનો જ આગ્રહ રાખે.

કાળાબજારી સામે લાલ આંખ, 15,000 સિલિન્ડર જપ્ત

ગેસની કાળાબજારી રોકવા માટે સરકાર કડક હાથે કામ લઈ રહી છે. અત્યાર સુધીમાં દેશભરમાં 12,000 જેટલા દરોડા પાડીને આશરે 15,000 ગેસ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એકલા ઉત્તર પ્રદેશમાં જ દરોડા દરમિયાન 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

કેરોસીન અને કોલસાનો વપરાશ વધશે

કોમર્શિયલ ગેસના સપ્લાયને જાળવી રાખવા માટે અને LPG પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર હવે કેરોસીન અને કોલસા જેવા વિકલ્પો પર ભાર મૂકી રહી છે. ગુજરાત, બિહાર, છત્તીસગઢ અને કર્ણાટક સહિતના રાજ્યોએ વધારાના કેરોસીન ફાળવણી માટેના આદેશો જાહેર કરી દેવામાં આવ્યા છે. એક ઉચ્ચ સ્તરીય સમિતિ સતત આ આખી સપ્લાય ચેઈનનું નિરીક્ષણ કરી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button