GUJARAT

ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં ‘UCC બિલ 2026’ બહુમતીથી પસાર

ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC – Uniform Civil Code) બિલ પસાર કરનારું દેશનું બીજું રાજ્ય બની ગયું છે. આજે ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક ‘ગુજરાત સમાન નાગરિક સંહિતા 2026’ વિધેયક બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. જોકે, વિપક્ષ કોંગ્રેસે આ બિલનો સખત વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે બિલના પ્રથમ વાંચન બાદ તેને વધુ વિચારણા માટે પ્રવર સમિતિ (Select Committee) ને મોકલવાની માંગણી કરી હતી. પરંતુ, આ માંગણીનો અસ્વીકાર થતાં ગૃહમાં હાજર કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યોએ વોકઆઉટ કર્યું હતું. બિલ પસાર થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં એક ભાવુક અને મક્કમ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ કાયદો રાજ્યની દીકરીઓ અને મહિલાઓના રક્ષણ માટે અત્યંત જરૂરી છે અને આ દિવસ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.

UCC વિધેયક પરની ચર્ચાના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યંત ભાવનાત્મક રીતે ગૃહને સંબોધ્યું હતું. તેમણે કહ્યું, “મને બધા દાદા-દાદા કહીને બોલાવે છે. ત્યારે મારા રાજ્યની તમામ દીકરીઓ, બહેનો અને માતાઓની કાળજી રાખવી એ મારી નૈતિક ફરજ છે. તમામ દીકરીઓ અને માતાઓના રક્ષણ માટે મારે કાયદાનો ડંડો ઉગામવો જ પડે, અને મેં એ જ કર્યું છે.” તેમણે સ્પષ્ટ કર્યું કે આ બિલ તુષ્ટિકરણની રાજનીતિ માટે નથી, પરંતુ સમાજમાં સમાનતા લાવવા માટે છે.

મુખ્યમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાત સમાન અધિકાર સંહિતાનો ઉદ્દેશ્ય કોઈના અધિકારો છીનવવાનો કે કોઈની ધાર્મિક સ્વતંત્રતા પર તરાપ મારવાનો જરાય નથી. આ કાયદો માત્ર કાનૂની ભેદભાવ દૂર કરવા માટે છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ બિલ કોઈ પણ રીતે બંધારણની વિરુદ્ધ નથી, પરંતુ તે બંધારણનું પૂરક છે.

આ નવા કાયદા હેઠળ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ અને વારસાગત મિલકતના નિયમો તમામ ધર્મો માટે એક સમાન રહેશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અત્યાર સુધી પર્સનલ લો (Personal Law) ના નામે મુસ્લિમ દીકરીઓને મિલકતના વારસામાં ભાઈ કરતા અડધો જ હિસ્સો મળતો હતો. પરંતુ હવે આ કાયદાના અમલથી ગુજરાતની પ્રત્યેક દીકરીને તેના પિતાની મિલકતમાં પુત્ર જેટલો જ પૂરેપૂરો 100% સમાન હક્ક મળશે. આ ઉપરાંત, ‘નિકાહ હલાલા’ જેવી પ્રથાઓ, જે સ્ત્રીના આત્મસન્માનને ઠેસ પહોંચાડે છે, તેનો પણ આ કાયદા દ્વારા કાયમી અંત આવશે.

મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી કે આ બિલ લિવ-ઈન રિલેશનશિપને પ્રોત્સાહિત કરતું નથી, પરંતુ બદલાતા સમયમાં ‘શ્રદ્ધા વાલકર’ જેવી ભયાનક ઘટનાઓથી દીકરીઓને બચાવવા માટે લિવ-ઈનનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ કાનૂની સુરક્ષા માટે છે. એવી જ રીતે, લગ્નની નોંધણી પણ ફરજિયાત કરવામાં આવી છે, જેથી ઓળખ છુપાવીને કે છેતરપિંડી કરીને લગ્ન કરનારાઓ પર લગામ કસી શકાય.

અમુક સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓ દૂર કરતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે લઘુમતી સમાજમાં કઝિન સિસ્ટર (પિતરાઈ બહેન) સાથે લગ્ન કરવાની જે પરંપરા છે, તેને આ કાયદો રોકતો નથી. જો તેમના સમાજની પરંપરામાં તે સ્વીકાર્ય હોય, તો તે માન્ય ગણાશે.આ ઉપરાંત, આદિવાસી સમાજની ઓળખ અને તેમની અનોખી સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે તેમને UCC ના દાયરામાંથી સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા છે. તેમના રીત-રિવાજો અને રૂઢિગત કાયદાઓ પહેલાની જેમ જ અકબંધ રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button