GUJARAT

 વરસાદની આગાહી વચ્ચે ગુજરાતમાં શરૂ થશે હીટવેવનો રાઉન્ડ, વાંચો આગાહી

ગુજરાતમાં હાલ હવામાનનું ચિત્ર સંપૂર્ણ રીતે બદલાતું જોવા મળી રહ્યું છે. એક તરફ ગરમી અને એક તરફ વરસાદને કારણે લોકો મુંઝવણમાં મુકાયા છે. રાજ્યમાં એક તરફ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો વરસાદી માહોલ સર્જાયો છે, તો બીજી તરફ આગામી દિવસોમાં તીવ્ર ગરમી અને હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

રાજસ્થાનમાં સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરરૂપે રાજ્યના અનેક ભાગોમાં છેલ્લા બે દિવસથી વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગિર પંથક સહિતના વિસ્તારોમાં બુધવારે પણ છૂટાછવાયા હળવા વરસાદે લોકોમાં રાહતનો અનુભવ કરાવ્યો હતો. વાદળછાયું આકાશ અને ઠંડા પવનના કારણે ઉનાળાની ગરમીમાં થોડીક શાંતિ જોવા મળી હતી. પરંતુ આ રાહત લાંબા સમય માટે નથી.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં ફરી એકવાર તાપમાનમાં વધારો થશે અને રાજ્યમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ખાસ કરીને નવમીથી બારમી મે દરમિયાન ગરમીનો રાઉન્ડ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. હાલમાં રાજ્યના આઠ જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. તેમાં સૌથી વધુ ગરમ શહેર તરીકે રાજકોટ નોંધાયું છે, જ્યાં તાપમાન 42.9 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. જ્યારે અમદાવાદમાં પણ મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું છે.આગાહી મુજબ 7 મેના રોજ રાજકોટ, મોરબી, બોટાદ, અમરેલી, ભાવનગર અને કચ્છ જિલ્લામાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે હીટવેવની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ બેવડા હવામાનના કારણે રાજ્યમાં રોગચાળાના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અચાનક વરસાદ અને પછી તીવ્ર ગરમીના ફેરફારથી લોકોના આરોગ્ય પર અસર થવાની શક્યતા છે. તબીબી નિષ્ણાતોએ લોકોને પૂરતું પાણી પીવા, ગરમીથી બચવા અને અનાવશ્યક બહાર જવાનું ટાળવા સૂચના આપી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button