Health

દુષિત ભોજનથી દર વર્ષે 15 લાખથી વધુ લોકોના થઈ રહ્યા છે મોત, WHOએ આપી ચેતવણી

સાત જૂનના રોજ આખી દુનિયામાં વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવવામાં આવશે પરંતુ તે અગાઉ વિશ્વ આરોગ્ય સંગઠને દૂષિત ખોરાકથી થતી બીમારીઓ અને મૃત્યુ અંગે એક અહેવાલ બહાર પાડ્યો છે, જે કંઈક અંશે ચિંતાજનક છે. 2000 થી 2021 દરમિયાન 194 દેશોના ડેટાના આધારે બનાવેલા આ અહેવાલમાં આફ્રિકન અને દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોમાં જોખમ વધુ જોવા મળ્યું છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ત્રણ ગણું જોખમ જોવા મળ્યું છે.

વિશ્વ આરોગ્ય સંગઠનના રિપોર્ટમાં અંદાજ લગાવવામાં આવ્યો છે કે દૂષિત ખોરાકને કારણે દર વર્ષે વિશ્વભરમાં 86.6 કરોડ લોકો બીમાર પડે છે, જેના પરિણામે 15 લાખથી વધુ લોકોના મોત થાય છે. પાણી, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી પર ધ્યાન કેન્દ્રિત કરીને આમાંથી મોટાભાગના કેસોને અટકાવી શકાય છે. જો કે, 2000થી દક્ષિણપૂર્વ એશિયા અને આફ્રિકા સિવાયના તમામ દેશોમાં ખોરાકજન્ય રોગોનું જોખમ ઘટ્યું છે.

WHO ને આ અભ્યાસમાં બીજી એક રસપ્રદ જાણકારી મળી હતી. તેનો અંદાજ છે કે 2021માં દુષિત ભોજનથી થનારી બીમારીનું મુખ્ય કારણ બેક્ટેરિયલ, વાયરલ અને પેરાસાઈટિક ઈન્ફેક્શન છે. પરંતુ મોતનું સૌથી મોટું કારણ કેમિકલનો સંપર્ક છે.  આમાંથી, ઈનઓર્ગેનિક આર્સેનિક, સીસું અને મિથાઈલમર્ક્યુરી સૌથી વધુ જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે, જે હૃદય રોગ અને કેન્સરનું જોખમ વધારે છે.યુએનએ આ જ અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે એકવાર આ રસાયણો ફૂડ સપ્લાયમાં પ્રવેશ કરે છે, પછી તેને દૂર કરવું ખૂબ જ મુશ્કેલ અથવા અશક્ય છે. આ કેમિકલ ફૂડમાં અસુરક્ષિત પાણી, અયોગ્ય હેન્ડલિંગ અથવા પર્યાવરણીય અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ દ્વારા ખોરાકમાં પ્રવેશ કરે છે. આર્સેનિક અને સીસું જ વાર્ષિક 1 મિલિયનથી વધુ મૃત્યુનું કારણ બને છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા નાના બાળકો (5 વર્ષથી ઓછી ઉંમરના) વિશે ખૂબ ચિંતિત છે કારણ કે, વૈશ્વિક વસ્તીના માત્ર 9 ટકા હોવા છતાં તેઓ દુષિત ભોજનના કારણે થતી બીમારીના તમામ કેસોમાં લગભગ ત્રીજા ભાગનું કારણ બને છે. આ સમસ્યા રોગનું કારણ બને છે, જે આ ઉંમરના બાળકો માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. વધુમાં મિથાઈલમર્ક્યુરી જેવા રસાયણોથી ભરેલા ખોરાકના દૂષણથી મગજના વિકાસમાં અવરોધ આવી શકે છે અને જીવનભર ન્યુરોલોજીકલ અને વિકાસલક્ષી સમસ્યાઓ થઈ શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button