GUJARAT

UPSCના ઉમેદવારો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓને મળશે 2 લાખ રૂપિયાની સહાય

ગુજરાત સરકાર દ્વારા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની સિવિલ સર્વિસ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (SPIPA), અમદાવાદ અને તેના પ્રાદેશિક તાલીમ કેન્દ્રોમાં અભ્યાસ કરતા ઉમેદવારો માટે સ્ટાઈપેન્ડ તેમજ પરીક્ષાના વિવિધ તબક્કે મળતી પ્રોત્સાહન સહાયમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગે આ અંગેનો સત્તાવાર ઠરાવ જાહેર કર્યો છે.

નવા નિયમો મુજબ, SPIPAમાં પ્રિલિમ પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને દર મહિને રૂ. 4,000નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ સહાય વધુમાં વધુ સાત મહિના અથવા UPSC પ્રિલિમ પરીક્ષા યોજાય ત્યાં સુધી મળશે. પ્રિલિમ પરીક્ષા પાસ કરનાર યુવકોને રૂ. 35,000 અને યુવતીઓને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે. જોકે, SPIPAના વિદ્યાર્થીઓને અગાઉ ચૂકવાયેલ સ્ટાઈપેન્ડની રકમ બાદ કરીને બાકીની સહાય ચૂકવાશે. મુખ્ય પરીક્ષા (Mains) પાસ કરનાર યુવકોને રૂ. 45,000 અને યુવતીઓને રૂ. 55,000ની પ્રોત્સાહન રકમ મળશે.

જ્યારે સિવિલ સર્વિસીઝની આખરી પસંદગીમાં સ્થાન મેળવનાર ગુજરાતના યુવકોને રૂ. 75,000 અને યુવતીઓને રૂ. 1 લાખની સહાય આપવામાં આવશે. આ રીતે સમગ્ર પ્રક્રિયામાં સફળ યુવકને કુલ રૂ. 1.55 લાખ અને યુવતીને રૂ. 2.05 લાખ સુધીની સહાય પ્રાપ્ત થશે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં અભ્યાસ અથવા નોકરી કરતા બિન-ડોમિસાઇલ ઉમેદવારો માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. SPIPAના પર્સનાલિટી ટેસ્ટ તાલીમ વર્ગમાં જોડાયેલા આવા ઉમેદવારોની આખરી પસંદગી થાય તો યુવકોને રૂ. 25,000 અને યુવતીઓને રૂ. 35,000ની પ્રોત્સાહક સહાય મળશે.

નાણા વિભાગની સંમતિ બાદ સામાન્ય વહીવટ વિભાગે આ સુધારેલા દરોને મંજૂરી આપી છે. રાજ્ય સરકારના આ નિર્ણયથી UPSC જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને આર્થિક બળ મળશે અને ગુજરાતમાંથી વધુ ઉમેદવારો સિવિલ સર્વિસમાં સ્થાન મેળવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button