GUJARAT

કડીમાં 8 ઈંચ વરસાદથી જળબંબાકાર, સોસાયટીઓના ઘરોમાં ઘૂસ્યા પાણી,જનજીવન અસ્તવ્યસ્ત

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. રાત્રે માત્ર બે કલાકમાં 8 ઈંચ જેટલો વરસાદ વરસતાં  સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું છે. ભારે વરસાદના કારણે અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. મળતી માહિતી મુજબ કરણનગર રોડ વિસ્તારમાં આવેલી 25થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જયગુરુદેવ સોસાયટી, એટલાન્ટા પાર્ક સોસાયટી સહિત અનેક રહેણાંક વિસ્તારોમાં પાણી ઘરો સુધી પહોંચી ગયું હતું. સુજાતપુરા રોડ પર આવેલી અનેક સોસાયટીઓમાં પણ મકાનોમાં પાણી ઘૂસી જતાં પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે. ઘણા પરિવારોનો અનાજનો જથ્થો પલળી ગયો છે, જ્યારે બાળકોના પુસ્તકો અને શૈક્ષણિક સામગ્રી પણ પાણીમાં પલળી જતાં વાલીઓ ચિંતિત બન્યા છે.  સ્થાનિકોના જણાવ્યા મુજબ વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે દર વર્ષે આવી સ્થિતિ સર્જાય છે. આ વખતે પણ ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કડીમાંથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ દરમિયાન અનેક રહિશોએ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને વરસાદી પાણીના કાયમી નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. હાલ તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ વરસાદના કારણે લોકોનું જનજીવન હજુ પણ પ્રભાવિત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button