Top In Ahmedabad

અમદાવાદનો આ વિસ્તાર ફેરવાયો બેટમાં, લોકો ટ્રેક્ટરમાં બેસી ઓફિસે જવા મજબૂર

અમદાવાદના સાણંદ રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટી થોડા વરસાદમાં જ પાણીમાં ગરકાવ થઈ છે. વરસાદ બંધ થયાના કલાકો બાદ પણ પાણી ન ઓસરતા અહીંના લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. સાણંદ જતા હાઈવે પર સ્થિત ગોકુલધામ સોસાયટીની આ દુર્દશા છે.  શહેરના અત્યંત પૉશ ગણાતા શાંતિપુરા વિસ્તારમાં કરોડો રૂપિયાના આલીશાન બંગલા અને ફ્લેટ્સ ધરાવતા ધનિકો અત્યારે ભારે લાચારીનો સામનો કરી રહ્યા છે. આ વિસ્તારની ગોકુલધામ સહિતની 80થી વધુ સોસાયટીઓ છેલ્લા બે દિવસથી ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે જે લોકો રોજ કરોડોની લક્ઝુરિયસ ગાડીઓમાં ફરે છે તેમણે આજે ઓફિસ કે ધંધાર્થે જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડી રહ્યો છે અને ટ્રેક્ટરમાં બેસીને સોસાયટીની બહાર નીકળવા મજબૂર બન્યા છે.

ચોંકાવનારી બાબત એ છે કે સોમવારે સવારે અમદાવાદમાં સરેરાશ માત્ર એક ઈંચ અને ચાલુ સીઝનનો અત્યાર સુધીનો કુલ માત્ર ત્રણ ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો છે. આટલા સામાન્ય વરસાદમાં જ કરોડોના ફ્લેટ અને બંગલાના રહીશો મુશ્કેલીમાં મુકાઈ જતાં ઔડા (AUDA)ની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ઔડા કરોડો રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આગળ રહે છે પરંતુ જ્યારે સુવિધા આપવાની વાત આવે ત્યારે સાવ શૂન્ય સાબિત થાય છે. વહીવટી તંત્રના આ પાપનો ભોગ આજે ટેક્સ ભરતા નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. આગામી દિવસોમાં જો ભારે વરસાદ ખાબકશે તો સ્થિતિ કેટલી ગંભીર બનશે તેને લઈને લોકો ચિંતિત છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button