રાજ્યમાં હવે રિક્ષાના ભાડામાં વધારો, 1.2 કિમી માટે મિનિમમ ભાડું 25 રૂ ચૂકવવું પડશે, જાણો નવા દરો


ગુજરાતમાં ઓટોરિક્ષાના નવા ભાડા 7 ઓગસ્ટ, 2026થી અમલમાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી CNGના ભાવમાં સતત વધારો અને મોંઘવારીને કારણે રિક્ષાચાલકો દ્વારા ભાડું વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. લાંબા સમયની રજૂઆતો બાદ રિક્ષાના ભાડામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ઓટોરિક્ષાના નવા ભાડા 7 ઓગસ્ટ, 2026થી અમલમાં આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી CNGના ભાવમાં સતત વધારો અને મોંઘવારીને કારણે રિક્ષાચાલકો દ્વારા ભાડું વધારવાની માંગ કરવામાં આવી રહી હતી. લાંબા સમયની રજૂઆતો બાદ રિક્ષાના ભાડામાં વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
1.2 કિલોમીટર માટે હવે ₹25
નવા ભાડા મુજબ રિક્ષામાં પ્રથમ 1.2 કિલોમીટર માટે મિનિમમ ભાડું ₹25 નક્કી કરવામાં આવ્યું છે. અગાઉ આ અંતર માટે મુસાફરોએ ₹20 ચૂકવવાના થતા હતા. એટલે કે મિનિમમ ભાડામાં ₹5નો વધારો કરવામાં આવ્યો છે.
ત્યારબાદ પ્રતિ કિલોમીટર ₹20
પ્રથમ 1.2 કિલોમીટર બાદ રિક્ષાનું રનિંગ ભાડું વધારીને લગભગ ₹20 પ્રતિ કિલોમીટર કરવામાં આવ્યું છે. અગાઉ પ્રતિ કિલોમીટર ₹15નો દર હતો. આમ, રિક્ષાચાલકોની પ્રતિ કિલોમીટર ભાડું વધારવાની માંગ સ્વીકારવામાં આવી છે.
200 મીટર દીઠ ₹4
નવા દર પ્રમાણે પ્રથમ 1.2 કિલોમીટર બાદ દર 200 મીટર માટે ₹4 વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. આ રીતે મુસાફરીના અંતર પ્રમાણે રિક્ષાનું ભાડું ગણવામાં આવશે.
શહેરની હદ બહાર મુસાફરી કરવા પર શહેરની સીમા બાદના અંતર માટે દોઢ ગણું ભાડું વસૂલવાની જોગવાઈ છે. જોકે મુસાફર એ જ રિક્ષામાં પરત શહેરમાં આવે તો સમગ્ર મુસાફરી માટે શહેરના સામાન્ય દર પ્રમાણે જ ભાડું વસૂલવામાં આવશે.
ત્રણ વર્ષ બાદ રિક્ષાના ભાડામાં વધારો
રિક્ષાચાલકોના જણાવ્યા મુજબ છેલ્લા આશરે ત્રણ વર્ષથી ભાડામાં વધારો કરવામાં આવ્યો નહોતો. બીજી તરફ, આ સમયગાળા દરમિયાન CNGના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા બે મહિનામાં જ CNGના ભાવમાં આશરે ₹6નો વધારો થયો હોવાના કારણે રિક્ષાચાલકોના ખર્ચમાં વધારો થયો હતો.
રિક્ષા યુનિયનોની હતી વધુ ભાડાની માંગ
રિક્ષાચાલક યુનિયનો દ્વારા પ્રતિ કિલોમીટર ભાડું ₹20 અને મિનિમમ ભાડું ₹50 કરવાની માંગ કરવામાં આવી હતી. તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત છતાં નિર્ણય ન આવતા એક રિક્ષા ચાલક યુનિયને ડ્રાઇવરોને પોતાની રીતે વધારાનું ભાડું વસૂલવાની છૂટ પણ આપી હતી.
આ મુદ્દે 22 જૂન, 2026ના રોજ ગાંધીનગરના ડૉ. જીવરાજ મહેતા ભવન ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનરની કચેરીમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં ટ્રાન્સપોર્ટ કમિશનર, અમદાવાદ RTOના અધિકારીઓ તેમજ વિવિધ રિક્ષા ચાલક યુનિયનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.
બેઠકમાં યુનિયનોની બે મુખ્ય માંગણીઓમાંથી એક સંપૂર્ણપણે સ્વીકારવામાં આવી હતી. પ્રતિ કિલોમીટર ભાડું ₹15થી વધારીને ₹20 કરવામાં આવ્યું, જ્યારે ₹50 મિનિમમ ભાડાની માંગ સ્વીકારવામાં આવી નહોતી. તેના બદલે 1.2 કિલોમીટર માટે મિનિમમ ભાડું ₹25 નક્કી કરવામાં આવ્યું.
મુસાફરોના ખિસ્સા પર વધશે ભાર
નવા ભાડા અમલમાં આવતા હવે રિક્ષામાં મુસાફરી કરનારા મુસાફરોના ખિસ્સા પર થોડો વધુ ભાર પડશે. બીજી તરફ, વધતા CNGના ભાવ વચ્ચે રિક્ષાચાલકો માટે આ ભાડાવધારો રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે મુસાફરી કરનારા મુસાફરોને સામાન્ય ભાડા કરતાં 50 ટકા વધુ ચૂકવવા પડશે.




