Business

E20 પર નહીં અટકે સરકાર! પેટ્રોલમાં હવે વધુ એથનોલ ભેળવવાની તૈયારી, ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો પર ફોકસ

પેટ્રોલમાં એથનોલ મિશ્રણ (Ethanol Blending)ને લઈને કેન્દ્ર સરકાર હવે E20થી પણ આગળ વધવાની તૈયારી કરી રહી છે. હાલમાં દેશમાં પેટ્રોલમાં 20 ટકા સુધી એથનોલ ભેળવવાની E20 વ્યવસ્થા અમલમાં છે. હવે સરકાર પેટ્રોલમાં 20 ટકાથી વધુ એથનોલ મિશ્રણને મંજૂરી આપવા અંગે કામ કરી રહી છે. જોકે, વધુ એથનોલ ધરાવતા ઇંધણનો ઉપયોગ સામાન્ય વાહનોમાં નહીં પરંતુ ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો (Flex-Fuel Vehicles – FFV)માં થાય તે દિશામાં સરકાર આગળ વધી રહી છે.

વડાપ્રધાનના સલાહકાર તરુણ કપૂરે એક કાર્યક્રમ દરમિયાન સરકારની આ નવી તૈયારી અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશનો E20 કાર્યક્રમ અત્યાર સુધી સફળ રહ્યો છે અને હવે સરકારનું ધ્યાન ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો તરફ છે. અનેક વાહન કંપનીઓએ પણ આગામી સમયમાં આવા વાહનો (Vehicles) રજૂ કરવાની યોજના જાહેર કરી છે.ફ્લેક્સ-ફ્યુઅલ વાહનોમાં પેટ્રોલની સાથે અલગ-અલગ પ્રમાણમાં એથનોલ મિશ્રિત ઇંધણનો ઉપયોગ કરી શકાય છે. તેથી E20થી વધુ એથનોલ ધરાવતા ઇંધણને બજારમાં લાવવા માટે આવા વાહનોની સંખ્યા વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

સરકારના પ્લાન હેઠળ વધુ એથનોલ મિશ્રણવાળા ઇંધણની સાથે પેટ્રોલ પંપ (Fuel Stations) પર શુદ્ધ એથનોલની ઉપલબ્ધતા વધારવાની પણ જરૂરિયાત રહેશે. તરુણ કપૂરે જણાવ્યું હતું કે દેશમાં એથનોલ ઉત્પાદન ક્ષમતા હવે પેટ્રોલમાં મિશ્રણ માટેની વર્તમાન જરૂરિયાત કરતાં વધી ગઈ છે. તેથી વધારાની ઉત્પાદન ક્ષમતાનો ઉપયોગ એથનોલના અન્ય ક્ષેત્રોમાં પણ કરવાની જરૂર છે.

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે સરકાર માટે બાયોફ્યુઅલ (Biofuel) પર ભાર મૂકવો વધુ મહત્વપૂર્ણ બન્યો છે. ક્રૂડ ઓઇલના પુરવઠામાં વિક્ષેપ અને આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારાને કારણે ભારતની આયાત નિર્ભરતા ઘટાડવાની જરૂરિયાત વધી છે.

એથનોલ જેવા સ્થાનિક સ્તરે ઉપલબ્ધ ઇંધણનો વધુ ઉપયોગ કરીને ક્રૂડ ઓઇલની આયાત (Crude Oil Import) પરનો આધાર ઘટાડવાનો પ્રયાસ થઈ શકે છે.

ડીઝલ માટે પણ બાયોફ્યુઅલનો વિકલ્પ

સરકાર માત્ર પેટ્રોલ પૂરતી મર્યાદિત નથી. ડીઝલ સેગમેન્ટ (Diesel Segment) માટે પણ બાયોફ્યુઅલ એડિટિવ્સ (Biofuel Additives) અંગે વિચારણા થઈ રહી છે. આઇસોબ્યુટેનોલ સાથે ચાલી રહેલા પ્રયોગો સફળ થાય તો ડીઝલ ક્ષેત્રમાં તેનો મોટો ઉપયોગ થઈ શકે છે.

આ ઉપરાંત સરકારની નવી ગોવર્ધન યોજના (GOBARdhan) હેઠળ કોમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG)ને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર પહેલનો હેતુ સ્થાનિક ઇંધણ સ્ત્રોતોનો વધુ ઉપયોગ, આયાતી ક્રૂડ પરની નિર્ભરતા ઘટાડવી અને દેશની ઊર્જા સુરક્ષા (Energy Security) મજબૂત કરવાનો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button