ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન,આ 3 જગ્યા કરી નક્કી


દિલ્હીમાં પ્રદર્શનના સ્થળોને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે. નવા આદેશ હેઠળ રામલીલા મેદાન, બુરાડી મેદાન અને CBD ગ્રાઉન્ડને પ્રદર્શન માટે નક્કી કરવામાં આવ્યા છે. દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) જ્ઞાનેશ કુમાર સામેના પ્રદર્શનો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રાલયે જંતર મંતરને પ્રદર્શન સ્થળની યાદીમાંથી હટાવી દીધું છે. ગૃહ મંત્રાલયની સમિતિની ભલામણોના આધારે દિલ્હીમાં ધરણા-પ્રદર્શન માટે નવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે.
રામલીલા મેદાન, બુરાડી મેદાન અને સીબીડી મેદાન, પૂર્વ દિલ્હી પ્રદર્શન માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. જંતર-મંતરને પ્રદર્શન સ્થળ તરીકે આપવામાં આવેલી અધિસૂચના રદ કરવામાં આવી છે. લગભગ 33 વર્ષ સુધી જંતર-મંતર પ્રદર્શનનું સ્થળ રહ્યું. આ પહેલા ઈન્ડિયા ગેટનું બોટ ક્લબ પ્રદર્શન સ્થળ હતું.દિલ્હી પોલીસનો નવો આદેશ 28 એપ્રિલ, 2022ના રોજ જાહેર કરવામાં આવેલા જૂના સ્ટેન્ડિંગ ઓર્ડરમાં થોડો ફેરફાર કરે છે. નવા નિયમોનો હેતુ વિરોધ પ્રદર્શન માટે નક્કી કરવામાં આવેલા સ્થળો અને તેની સાથે જોડાયેલી વ્યવસ્થાઓને સ્પષ્ટ કરવાનો છે. જોકે, પ્રદર્શનની મંજૂરી, લોકોની સંખ્યા અને અન્ય શરતો અંગેના વિગતવાર નિયમો અલગથી જાહેર થયા બાદ જ સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ થશે.
આદેશ અનુસાર, ગૃહ મંત્રાલયે જંતર-મંતરની જગ્યાએ અન્ય વિરોધ પ્રદર્શનનાં સ્થળો ઓળખવા માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિએ વિવિધ સ્થળોની તપાસ કર્યા બાદ પોતાની ભલામણો રજૂ કરી હતી. આ ભલામણોના આધારે જંતર-મંતરને વિરોધ પ્રદર્શનના સ્થળ તરીકે નક્કી કરવામાં આવેલી યાદીમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યું હતું. જંતર-મંતર લાંબા સમયથી દિલ્હીમાં રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને સામાન્ય લોકો માટે વિરોધ પ્રદર્શનનું એક મહત્ત્વપૂર્ણ કેન્દ્ર રહ્યું છે. અહીં વિવિધ મુદ્દાઓને લઈને ધરણાં અને વિરોધ પ્રદર્શનો યોજાતા રહ્યા છે.




