GUJARAT

ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા પુરુષનું માથા વગરનું નગ્ન ધડ મળ્યું:સુરતમાં ઓળખ છુપાવવા માટે માથું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાની આશંકા

દિવાળીના તહેવારોની ઉજવણી વચ્ચે સુરતમાં કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. કતારગામ ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તી કબ્રસ્તાનમાંથી અજાણ્યા પુરુષનું માથા વગરનું નગ્ન ધડ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ઓળખ છુપાવવા માટે માથું કાપીને ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ હોવાની આશંકા વચ્ચે કતારગામ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.

પોલીસને કંટ્રોલ મેસેજ મળતા સ્થળે પહોંચી

3 નવેમ્બરની રાત્રે કતારગામ પોલીસને માહિતી મળી હતી કે, ગોટાલાવાડી ચાર રસ્તા પાસે આવેલા ખ્રિસ્તીઓના કબ્રસ્તાનમાં કોઈ વ્યક્તિનો મૃતદેહ પડ્યો છે. માહિતી મળતાં જ કતારગામ પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યાં જઈને જોતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે કબ્રસ્તાનમાં પડેલા મૃતદેહ પરથી માથું ગાયબ હતું અને શરીર પર એક પણ કપડું નહોતું.

પ્રાથમિક દ્રષ્ટિએ મામલો ક્રૂર હત્યાનો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. અજાણ્યા શખ્સોએ યુવકની હત્યા કરી પુરાવાનો નાશ કરવા અથવા ઓળખ છુપાવવાના ઈરાદે માથું કાપીને ક્યાંક ફેંકી દીધું હોવાની શક્યતા છે. ઘટનાની ગંભીરતાને જોતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો કાફલો, એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

બે દિવસ પહેલાં હત્યા કરાઈ હોવાની શક્યતા, સ્મીમેરમાં પીએમ

પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ હત્યા આશરે બે દિવસ પહેલાં કરવામાં આવી હોઈ શકે છે. પોલીસે પંચનામું કરી મોડીરાત્રે માથા વગરના ધડને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ અને સમય સ્પષ્ટ થઈ શકશે.

મૃતકની ઓળખ મેળવવા અને માથું શોધવા પોલીસની કવાયત

હાલ કતારગામ પોલીસ માટે સૌથી મોટો પડકાર મૃતકની ઓળખ કરવાનો છે. આસપાસના વિસ્તારોમાંથી છેલ્લા બે-ત્રણ દિવસમાં ગુમ થયેલા લોકોની યાદી મંગાવી તપાસ શરૂ કરવામાં આવી છે. સાથોસાથ કબ્રસ્તાન અને નજીકના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ ચકાસીને કાપી નાખવામાં આવેલું માથું ક્યાં ફેંકાયું છે અને આરોપીઓ કોણ છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button