અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે


Ambalal patel heavy rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત માટે આગામી 48 કલાકને અત્યંત મહત્વના ગણાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઈંચ સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે સિસ્ટમ વધુ મજબૂત બને તો કેટલાક વિસ્તારોમાં 20 ઈંચ સુધી વરસાદની પણ શક્યતા નકારી શકાય નહીં. ભારે વરસાદને પગલે નદી-નાળાઓમાં જળસ્તર વધવાની તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદના ઓઢવ, નિકોલ, વસ્ત્રાલ, બાપુનગર, અમરાઈવાડી અને મહાદેવનગર ટેકરા સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે.
મધ્ય ગુજરાતના પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહિસાગર અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આજની રાત્રિથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં 8થી 10 ઈંચ વરસાદ પડી શકે છે અને જો સિસ્ટમ વધુ મજબૂત બનશે તો વરસાદનું પ્રમાણ વધુ વધી શકે છે.



