જન્માષ્ટમી અને રક્ષાબંધન પહેલાં ખાદ્યતેલમાં ભડકો, 3 દિવસમાં સિંગતેલના ડબ્બે 45 રૂ. વધ્યા


આગામી રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારો પહેલા જ સ્થાનિક બજારમાં ખાદ્યતેલના ભાવમાં મોટો વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં માગ વધવાના કારણે સિંગતેલના ડબ્બે રૂપિયા 45 અને કપાસિયા તેલના ડબ્બે રૂપિયા 35નો ઉછાળો આવ્યો છે. મગફળીનો પૂરતો જથ્થો હોવા છતાં વેપારીઓ અને મિલો દ્વારા ભાવ વધારી દેવાતા સામાન્ય જનતા પર આર્થિક બોજ વધ્યો છે.
ચાલુ વર્ષે રાજ્યમાં મગફળીનું બમ્પર વાવેતર થયું છે અને હાલમાં ઓઇલ મિલરોને ઉનાળુ મગફળીનો પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહ્યો છે. આમ છતાં, આગામી મોટા તહેવારોને ધ્યાનમાં રાખીને બજારમાં ખાદ્યતેલની માગ અચાનક વધી જતાં અત્યારથી જ ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સીંગતેલના ડબ્બાનો ભાવ 2850 થી 2900 રૂપિયા વચ્ચે હતો, જે સોમવારે ઉઘડતી બજારે વધીને 2845 થી 2945 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. એટલે કે માત્ર 72 કલાકમાં સિંગતેલમાં ડબ્બે 45 રૂપિયાનો સીધો વધારો ઝીંકાયો છે. આવી જ રીતે, ફરસાણ અને મીઠાઈ બનાવવા માટે સૌથી વધુ વપરાતા કપાસિયા તેલના ભાવ પણ સોમવારે 2745 થી 2795 રૂપિયા બોલાયા હતા, જેમાં ડબ્બે 35 રૂપિયાનો વધારો થયો છે. તહેવારો નજીક હોવા છતાં અચાનક થયેલા આ ભાવવધારાને કારણે સ્થાનિક છૂટક બજારમાં સામાન્ય ગ્રાહકોની ખરીદી પર ભારે અસર પડી છે અને લોકો જરૂરિયાત પૂરતી જ ખરીદી કરી રહ્યા છે. હાલ માત્ર ફરસાણના વેપારીઓ દ્વારા જ કપાસિયા તેલની જથ્થાબંધ ખરીદી કરવામાં આવી રહી છે.
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં થયેલા આ વધારાથી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. જો આગામી દિવસોમાં સરકાર કે તંત્ર દ્વારા સંગ્રહખોરી અને ભાવવધારા પર નિયંત્રણ લાવવા યોગ્ય પગલાં નહીં લેવામાં આવે, તો તહેવારોના દિવસોમાં ખાદ્યતેલના ભાવ હજુ વધુ આસમાને પહોંચવાની શક્યતા છે.




