Top In Ahmedabad

શીલજની આનંદ નિકેતન સ્કૂલ વિવાદમાં! ભોજનમાંથી કાચ બાદ VHPના હિન્દુ વિરોધી કામગીરીના આક્ષેપ

અમદાવાદના શીલજ વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. એક વાલીએ બાળકને આપવામાં આવેલા ભોજનમાંથી કાચનો ટુકડો મળી આવ્યો હોવાની ફરિયાદ કરતાં મામલો ગરમાયો છે. કાચના ટુકડાનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, ઘટનાને પગલે કેટલાક વાલીઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરો શાળાએ પહોંચ્યા હતા અને સમગ્ર મામલે મેનેજમેન્ટ પાસેથી જવાબ માગ્યો હતો. જોકે, વાલીઓ અને VHP કાર્યકરોના જણાવ્યા પ્રમાણે, શાળા મેનેજમેન્ટ તરફથી કોઈ જવાબદાર વ્યક્તિ તેમની સાથે વાત કરવા માટે હાજર થયો નહોતો.આ દરમિયાન VHPના એક કાર્યકરે શાળામાં કથિત રીતે હિન્દુ વિરોધી કામગીરી ચાલી રહી હોવાના આક્ષેપો કર્યા છે. કાર્યકરના જણાવ્યા મુજબ, શાળામાં છેલ્લા એક મહિનાથી પ્રેયર બંધ છે અને નેશનલ એન્થમ પણ ગવડાવવામાં આવતું નથી. જોકે, આ આક્ષેપો અંગે શાળા મેનેજમેન્ટ તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.

વાલીઓએ શાળાની અન્ય વ્યવસ્થાઓ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. વાલીઓના આક્ષેપ મુજબ, શાળાની કેન્ટિનમાં વાસી ફૂડ આપવામાં આવતું હોવાની ફરિયાદો છે. સાથે જ શાળાના પ્રિન્સિપાલ અથવા વાઇસ પ્રિન્સિપાલ નિયમિત રીતે હાજર ન હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.

સૌથી ગંભીર મુદ્દો બાળકના ભોજનમાંથી કાચનો ટુકડો મળ્યાની ફરિયાદનો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટા અને વીડિયોને પગલે વાલીઓમાં ચિંતા વધી છે. જોકે, ભોજનમાં કાચનો ટુકડો કેવી રીતે આવ્યો અને આ મામલે શાળાની જવાબદારી કેટલી છે તે અંગે સત્તાવાર તપાસ અથવા શાળા મેનેજમેન્ટનું નિવેદન હજુ સ્પષ્ટ નથી.

હાલ સમગ્ર મામલે શાળા મેનેજમેન્ટ તરફથી સત્તાવાર પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. વાલીઓ દ્વારા ભોજનની ગુણવત્તા, કેન્ટિનની સ્વચ્છતા તેમજ શાળામાં ચાલી રહેલી અન્ય પ્રવૃત્તિઓ અંગે સ્પષ્ટતા અને યોગ્ય તપાસની માંગ કરવામાં આવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button