અમદાવાદમાં ઓનર કિલિંગ: પિતા-પુત્રએ મળીને હથોડી મારી દીકરીને પતાવી દીધી; અકસ્માતમાં ખપાવવાનો પ્લાન ફેલ


અમદાવાદ શહેરમાં સંબંધોને લાંછન લગાડતી એક અત્યંત ચકચારી ઓનર કિલિંગની ઘટના સામે આવી છે. શહેરના એમ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા એક કહેવાતા માર્ગ અકસ્માતની ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું છે કે આ કોઈ અકસ્માત ન હતો, પરંતુ એક પિતા અને ભાઈએ ભેગા મળીને પોતાની જ 22 વર્ષીય દીકરીની કરપીણ હત્યા કરી હતી.
પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપી મોહમ્મદ ફારુક ખાન (પિતા) અને મોહમ્મદ હાબીલ ખાન (ભાઈ) મૂળ ઉત્તર પ્રદેશના છે અને હાલ ફતેવાડી, સરખેજ વિસ્તારમાં રહે છે. આ બંને ફેબ્રિકેશનનો વ્યવસાય કરે છે. મૃતક સોફિયા ખાન બોપલની નિકી હોસ્પિટલમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, થોડા સમય પહેલાં સોફિયાના કેટલાક કથિત બીભત્સ વીડિયો અને વોટ્સએપ ચેટ વાયરલ થયા હતા. પિતા ફારુક ખાને તેને ઠપકો આપીને સુધરી જવા કહ્યું હતું, છતાં તેના વર્તનમાં કોઈ બદલાવ આવ્યો ન હતો. સમાજમાં બદનામી થવાના ડરથી, મોટી બહેનના લગ્ન ન થવા પાછળ અને ભાઈ હાબીલની 4 નાની દીકરીઓના ભવિષ્ય પર થનારી નકારાત્મક અસરની ચિંતામાં બંનેએ સોફિયાને જાનથી મારી નાખવાનો ફૂલપ્રૂફ પ્લાન ઘડ્યો હતો.યોજના મુજબ, ગત 12 ઓગસ્ટના રોજ રાત્રે 8 વાગ્યે પિતા અને પુત્ર સોફિયાને હોસ્પિટલથી બાઇક પર લેવા ગયા હતા. બાઇક પિતા ચલાવતા હતા, વચ્ચે સોફિયા બેઠી હતી અને પાછળ ભાઈ હાબીલ હતો. સરખેજ નજીક ભાઈજીપુરા-ઘેલજીપુરાના અવાવરુ કાચા રસ્તા પર પહોંચતા જ ચાલુ બાઇકે હાબીલે પોતાની પાસે રહેલી ફેબ્રિકેશનની લોખંડની હથોડી વડે સોફિયાના માથામાં 3 જેટલા ગંભીર ઘા ઝીંક્યા હતા. સોફિયા બેભાન થઈને જમીન પર પટકાઈ, ત્યારબાદ તેનો શ્વાસ ન અટકે તેની ખાતરી કરવા માથામાં વધુ 2 ઘા મારવામાં આવ્યા.
હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે તેઓએ સોફિયાના મૃતદેહને રસ્તા પર સુવડાવી દીધો અને બાઇકને પછાડીને અકસ્માતનો સીન ઊભો કર્યો. ભાઈ હાબીલે પોતાના હાથ પર સામાન્ય ઈજાઓ કરી અને પોતે પણ રસ્તા પર બેભાન હોવાનું નાટક કર્યું. રસ્તા પરથી પસાર થતા એક રિક્ષાચાલકે હાબીલના મોબાઈલથી પરિવારનો સંપર્ક કર્યો. રાત્રે 11 વાગ્યે પોલીસને અજાણ્યા વાહનની ટક્કરથી અકસ્માત થયાનો મેસેજ મળ્યો અને હોસ્પિટલના તબીબોએ સોફિયાને મૃત જાહેર કરી.
શરૂઆતમાં ટ્રાફિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. 12 ઓગસ્ટના રોજ વરસાદી વાતાવરણના કારણે ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ ઝાંખા હતા, પરંતુ તેમાં કોઈ અન્ય વાહન દેખાયું ન હતું, માત્ર બાઇક પડતું અને એક વ્યક્તિ ભાગતો જોવા મળ્યો. પરિવારજનોના નિવેદનોમાં પણ વિસંગતતા જોવા મળી. આ શંકાના આધારે પોલીસે કોલ ડિટેઇલ્સ (CDR) અને લોકેશન રૂટની સઘન તપાસ કરી પિતા-પુત્રની કડક પૂછપરછ કરતા બંને પોલીસ સમક્ષ ભાંગી પડ્યા હતા અને હત્યાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે બંને આરોપીઓની ઓનર કિલિંગના ગુનામાં ધરપકડ કરી સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવાની અને હત્યા પાછળ અન્ય કોઈ કારણ છે કે કેમ તેની વધુ તપાસ હાથ ધરી છે.




