Top In Ahmedabad

અમદાવાદના ઝવેરી પરિવાર દ્વારા પ્રપૌત્ર કિયાનના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી: ૫૦૦થી વધુ દિવ્યાંગ ભાઈ-બહેનો સાથે ગરબા મહોત્સવ અને સ્નેહમિલન યોજાયું

જન્મદિવસની ઉજવણી સામાન્ય રીતે હોટેલ, ક્લબ કે મોંઘી પાર્ટીઓમાં થતી જોવા મળે છે, પરંતુ અમદાવાદના જાણીતા ઝવેરી પરિવારે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી અનોખી પહેલ કરી છે. શ્રીમતી આશાબેન ઉરેશભાઈ ઝવેરી પરિવારના આંગણે પ્રપૌત્ર કિયાનના જન્મદિવસ નિમિત્તે અમદાવાદના મણિપુર ગામ સ્થિત ‘એમ. ઝવેરી ફાર્મ’ ખાતે દિવ્ય શક્તિ ધરાવતા ૫૦૦થી વધુ દિવ્યાંગ ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં એક ભવ્ય અને લાગણીસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


ગરબા મહોત્સવ અને સંગીતના તાલે ઝૂમ્યા દિવ્યાંગો
અમદાવાદ સ્થિત દિવ્યાંગ ફાઉન્ડેશન સાથે જોડાયેલા ૫૦૦થી વધુ દિવ્યાંગ ભાઈ-બહેનો માટે ખાસ ‘ગરબા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. ભવ્ય લાઈવ સંગીત ઓર્કેસ્ટ્રાના સૂર અને તાલ પર દિવ્યાંગો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. શારીરિક મર્યાદાઓને ભૂલીને દરેકના ચહેરા પર છવાયેલી નિર્દોષ ખુશી અને ઉત્સાહ આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યા હતા.


સ્વાદિષ્ટ ભોજન અને આકર્ષક ભેટની લહાણી
બાળક કિયાનના જન્મદિવસના આ શુભ પ્રસંગે તેમના દાદા શ્રી મેહુલભાઈ ઉરેશભાઈ ઝવેરી તરફથી ઉપસ્થિત તમામ દિવ્યાંગ મહેમાનો માટે ચા-નાસ્તો તેમજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક જમણવારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત, કાર્યક્રમના અંતે દરેક દિવ્યાંગ ભાઈ-બહેનને આકર્ષક ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઝવેરી પરિવારના સભ્યોએ જાતે દરેક અતિથિની આગતા-સ્વાગતા કરી માનવતા અને આત્મીયતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


દિવ્યાંગ ફાઉન્ડેશન દ્વારા આભાર અને સન્માન
દિવ્યાંગ ફાઉન્ડેશન પરિવાર દ્વારા ઝવેરી પરિવારની આ ઉમદા ભાવનાની મુક્ત કંઠે પ્રશંસા કરવામાં આવી હતી. ફાઉન્ડેશનના હોદ્દેદારોએ જણાવ્યું કે આવા આયોજનોથી દિવ્યાંગ બાળકો અને યુવાનોમાં નવો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધે છે. શ્રી મેહુલભાઈ ઝવેરી અને સમગ્ર પરિવાર પ્રત્યે અંતઃકરણપૂર્વક કૃતજ્ઞતા વ્યક્ત કરી બાળક કિયાનને દીર્ઘાયુ અને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા.


સમાજમાં સકારાત્મક સંદેશ આપતી આ ઉજવણી ખરેખર અનુકરણીય અને પ્રેરણાદાયક બની રહી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button