GUJARAT

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP

ગુજરાત સરકારે રાજ્યના વહીવટી માળખાને વધુ પારદર્શક, જવાબદાર અને ઝડપી બનાવવા માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઘણીવાર હાઈકોર્ટના ચુકાદાઓનો અમલ કરવામાં સરકારી વિભાગો દ્વારા બિનજરૂરી વિલંબ કરવામાં આવે છે, જેના કારણે સરકારને ‘કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટ’ (અદાલતી અવમાનના) ની શરમજનક સ્થિતિનો સામનો કરવો પડે છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે રાજ્ય સરકારે તમામ વહીવટી વિભાગો માટે એક કડક અને સ્પષ્ટ ‘સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર’ (SOP) અમલમાં મૂકી છે. આ નવી સિસ્ટમ હેઠળ કોર્ટના આદેશો પર નિર્ધારિત સમયમર્યાદામાં જ ફરજિયાત કાર્યવાહી કરવાની રહેશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ નાયબ મુખ્યમંત્રી અને કાયદા મંત્રી શ્રી હર્ષ સંઘવી તથા કાયદા રાજ્ય મંત્રી શ્રી કૌશિક વેકરિયાના સીધા નેતૃત્વમાં આ નવી વ્યવસ્થા ઘડવામાં આવી છે. કાયદા વિભાગ દ્વારા 29 જૂન 2024 ના રોજ જારી કરાયેલા પરિપત્રના નિર્દેશોનું કડક પાલન સુનિશ્ચિત કરવા આ પગલું ભરવામાં આવ્યું છે. આ નવી કાર્યપ્રણાલીનો મુખ્ય હેતુ વહીવટી કામગીરીને ટાઇમ-બાઉન્ડ (સમયબદ્ધ) બનાવવાનો છે.

ચુકાદાનો સ્વીકાર કે અપીલ અંગેની સ્પષ્ટતા

નવી SOP મુજબ, જ્યારે હાઈકોર્ટનો કોઈ ચુકાદો આવે ત્યારે સંબંધિત વિભાગે તેને ફાઈલોમાં પડતર રાખવાને બદલે સત્વરે બેમાંથી એક સ્પષ્ટ વિકલ્પ પસંદ કરવાનો રહેશે:

ચુકાદો સ્વીકાર્ય હોય તો: જો વિભાગને કોર્ટનો નિર્ણય માન્ય હોય, તો નાણાં વિભાગ દ્વારા નક્કી કરાયેલી પ્રક્રિયા અનુસાર કોઈપણ વિલંબ વિના તાત્કાલિક તેનો અમલ શરૂ કરી દેવાનો રહેશે.

અપીલ કરવાની હોય તો: જો વિભાગને ચુકાદા સામે ઉપલી કોર્ટમાં અપીલ કરવી યોગ્ય લાગે, તો વિભાગીય અભિપ્રાય તૈયાર કરી, કાયદા વિભાગની સલાહ લઈને નિયત સમયમર્યાદાની અંદર જ લિટિગેશનની કાર્યવાહી શરૂ કરી દેવી પડશે.

ઈ-સરકાર પોર્ટલ અને દસ્તાવેજી પારદર્શિતા

અપીલ કરવા માટેની દરખાસ્ત તૈયાર કરવામાં હવે ડીજિટલ સિસ્ટમનો મહત્તમ ઉપયોગ થશે. ઈ-ફાઈલમાં નોંધાયેલી વિગતો સાથે સંદર્ભિત તમામ દસ્તાવેજો ‘ઈ-સરકાર’ પ્રણાલીમાં ફરજિયાત અપલોડ કરવાના રહેશે. દસ્તાવેજોને સ્પષ્ટ હાઈપરલિંક આપવી પડશે. આ ઉપરાંત, એક ચેકલિસ્ટ તૈયાર કરવું પડશે જેના પર સક્ષમ અધિકારીની સહી હોવી જરૂરી છે. જો પ્રક્રિયામાં વિલંબ થયો હોય, તો તેના કારણો આ ચેકલિસ્ટમાં સ્પષ્ટપણે દર્શાવવાના રહેશે. આ પદ્ધતિથી અધૂરા દસ્તાવેજોના કારણે થતો પત્રવ્યવહાર અને વહીવટી વિલંબ અટકશે.

આ માર્ગદર્શિકામાં સૌથી કડક જોગવાઈ જવાબદારી નક્કી કરવા બાબતે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સમયમર્યાદા પૂરી થવાના અંતિમ તબક્કામાં કાયદા વિભાગ સમક્ષ દરખાસ્ત મોકલીને થતો બિનજરૂરી વિલંબ હવે ચલાવી લેવાશે નહીં. જો નિયત સમયમર્યાદાનું ઉલ્લંઘન થશે, તો જે તે અધિકારીને સીધા જવાબદાર ઠેરવવામાં આવશે. એટલું જ નહીં, આવા કિસ્સામાં સંબંધિત વિભાગના વડાએ જવાબદાર અધિકારી સામે લાગુ નિયમો અનુસાર કડક કાર્યવાહી સુનિશ્ચિત કરવાની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button