અમેરિકા-યુરોપમાં 72 કલાકથી 2 અઠવાડિયાનું રાશન રાખવા સરકારે આપી સલાહ, શું યુદ્ધની તૈયારી છે?


તાજેતરમાં અમેરિકા, બ્રિટન (યુકે), જાપાન સહિતના અનેક યુરોપિયન દેશોએ પોતાના નાગરિકો માટે એક ચોંકાવનારી એડવાઇઝરી જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ લોકોને કટોકટીના સમય માટે પોતાના ઘરમાં જરૂરી ચીજવસ્તુઓનો સ્ટોક કરવાની સલાહ આપવામાં આવી છે.
આ દેશોની સરકારોએ નાગરિકોને 72 કલાકથી લઈને 2 અઠવાડિયા સુધી ચાલે તેટલો અનાજ, પાણી અને દવાનો પુરવઠો ઘરમાં અનામત રાખવા જણાવ્યું છે. દુનિયાના વિકસિત દેશો દ્વારા અચાનક લેવાયેલા આ પગલાંથી આખી દુનિયામાં ભારે કુતૂહલ અને ચર્ચા જાગી છે.
અમેરિકામાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં સ્પષ્ટ જણાવાયું છે કે, કોઈપણ કુદરતી આફત કે માનવસર્જિત કટોકટી આવે ત્યારે નાગરિકોએ અનેક દિવસો સુધી સ્વબચાવ માટે તૈયાર રહેવું પડશે. આવી પરિસ્થિતિમાં સરકારી સહાય પહોંચતા સમય લાગી શકે છે.
મળતા અહેવાલો મુજબ, અમેરિકાએ પોતાના સૈન્યને પણ આવી કટોકટી માટે સજ્જ રહેવા આદેશ આપ્યો છે. યુએસએ પોતાના તમામ લશ્કરી થાણાઓ માટે એક વિશેષ યોજના બનાવી છે, જેથી કોઈપણ ભયંકર પરિસ્થિતિમાં તેઓ 90 દિવસ સુધી કોઈની પણ મદદ વિના સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે.
બીજી તરફ, યુકે (બ્રિટન) સરકારે પણ પોતાના નાગરિકોને સુરક્ષિત રાખવા માટે “તૈયાર રહો” (Be Ready) નામની ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ હેઠળ દરેક નાગરિકને ઓછામાં ઓછા 3 દિવસ માટે પૂરતી આવશ્યક ચીજવસ્તુઓ ઘરમાં જમા કરી રાખવાની તાકીદ કરવામાં આવી છે.
આ તૈયારીનો મુખ્ય હેતુ એ છે કે જો કટોકટીમાં વીજળી, પાણી કે ટ્રાન્સપોર્ટ જેવી સામાન્ય સેવાઓ બંધ થઈ જાય, તો પણ લોકોનું જીવન સરળતાથી ચાલતું રહે. આ ઉપરાંત, એશિયાના મુખ્ય દેશ જાપાન દ્વારા પણ 2 નવેમ્બરના રોજ પોતાની નવી ઇમરજન્સી યોજના જાહેર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
અમેરિકા અને બ્રિટન સિવાય યુરોપના અનેક નાના-મોટા દેશોએ પણ આવી સમાન માર્ગદર્શિકા પોતાના નાગરિકો માટે જારી કરી છે. જેમાં જર્મનીએ પોતાના નાગરિકોને 10 દિવસ સુધી ચાલે તેટલો જીવનજરૂરી સામાન ભેગો કરવા જણાવ્યું છે, જ્યારે નોર્વેએ 7 દિવસ માટેની સલાહ આપી છે.




