World

Us રાષ્ટ્રપતિ ટ્રમ્પે PM મોદીને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, યુક્રેન-રશિયા યુદ્ધને લઈને થઈ વાતચીત

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓના કારણે ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક સમયથી તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઇ છે. હવે આ દરમિયાન ભારત પ્રત્યે ટ્રમ્પના સૂર બદલાયા હોય તેવું જણાઇ રહ્યું છે. ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ વાટાઘાટો ફરી શરૂ થઇ છે. બીજી તરફ મંગળવારે મોડી સાંજે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદીને તેમના 75મા જન્મદિવસ પર અભિનંદન આપ્યા. બંને નેતાઓ વચ્ચે ભારત-અમેરિકા સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.

વડાપ્રધાન મોદીએ ‘X’ પર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનો આભાર માન્યો અને લખ્યું કે, ‘તમારા ફોન કોલ અને જન્મદિવસની શુભેચ્છાઓ બદલ આભાર મારા મિત્ર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ. તમારી જેમ, હું પણ ભારત-અમેરિકા વચ્ચેની વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે તમારા પ્રયાસોને સમર્થન આપીએ છીએ.

ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રૂથ’ પર લખ્યું કે, મારા મિત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હમણાં જ એક સારો ફોન કોલ થયો. મેં તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી! તેઓ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. નરેન્દ્ર: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવામાં તમારા સમર્થન બદલ આભાર!

આ વર્ષે વડાપ્રધાન મોદી તેમના 75મા જન્મદિવસ નિમિત્તે બુધવારે મધ્યપ્રદેશમાં હશે. વડાપ્રધાન મોદી અહીં ધાર જિલ્લાના ભૈંસોલા ગામની મુલાકાત લેશે અને મહિલાઓ અને પરિવારો માટે આરોગ્ય અને પોષણ પર આધારિત અભિયાન શરૂ કરશે. આ સાથે તેઓ કાપડ ઉદ્યોગ માટે પીએમ મિત્ર પાર્કનો શિલાન્યાસ કરશે. આ માર્કનો ઉદ્દેશ્ય દેશને કાપડનું કેન્દ્ર બનાવવાનો અને નિકાસ અને રોજગારને પ્રોત્સાહન આપવાનો છે. સરકાર દેશભરમાં આવા સાત પીએમ મિત્ર પાર્ક બનાવી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button