રાજ્યના સરકારી કર્મચારીઓને દિવાળી ફળી, પેન્શનરો અને કર્મચારીઓને વહેલો પગાર ચુકવાશે


રાજ્ય સરકારે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને ઓક્ટોબર મહિનાનો પગાર તથા પેન્શન વહેલી તારીખે ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે આ ચુકવણી તા.14 થી 16 ઓક્ટોબર-2025 દરમિયાન તબક્કાવાર કરવામાં આવશે.
સરકાર દ્વારા તા.13/10/1993ના ઠરાવ મુજબ સરકારી કર્મચારીઓના માસિક પગાર અને ભથ્થા આવતા મહિનાના પ્રથમ ત્રણ કામકાજના દિવસોમાં ચુકવવાના નિયમો છે. પરંતુ, આ વર્ષે દિવાળીનો તહેવાર તા.20 ઓક્ટોબર 2025ના રોજ આવતાં તહેવારની ઉજવણી આનંદપૂર્વક કરી શકે તે હેતુસર રાજ્ય સરકારે છૂટછાટ આપી આ ચુકવણીની તારીખો આગળ લાવવાનો નિર્ણય લીધો છે. આ મુજબ, ઓક્ટોબર-2025 મહિનાના પગાર, ભથ્થા અને પેન્શનની ચુકવણી તબક્કાવાર રીતે તા.14, 15 અને 16 ઓક્ટોબર 2025ના રોજ હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના આ પગલાને કારણે લાખો કર્મચારીઓ અને પેન્શનરોને તહેવાર પહેલાં આર્થિક રાહત મળશે.



