અનિલ અંબાણીના ગ્રુપ વિરૂદ્ધ એક્શન, મની લોન્ડ્રિંગ કેસમાં EDની સૌથી મોટી કાર્યવાહી


એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ ઓફ કંપનીઝના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અશોક કુમાર પાલની ધરપકડ કરી લીધી છે. આ ધરપકડ નકલી બેંક ગેરંટી કેસમાં મની લોન્ડરિંગના આરોપસર કરવામાં આવી છે. અશોક પાલની ધરપકડ અનિલ અંબાણીના બિઝનેસ એમ્પાયર માટે વધુ એક ફટકો સાબિત થઈ શકે છે, જે પહેલાથી જ અનેક નાણાકીય અને કાનૂની પડકારોનો સામનો કરી રહ્યું છે.
અશોક કુમાર પાલની ધરપકડ 68.2 કરોડ રૂપિયાની નકલી બેંક ગેરંટીના કેસમાં કરવામાં આવી છે. આ અંગે મળતી માહિતી અનુસાર, અશોકની ગુરુવારે રાત્રે દિલ્હીની ઓફિસમાં પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે.
આ આખો મામલો નકલી બેંક ગેરંટી બનાવવા અને ઉપયોગ કરવાને લઈને છે. ઓડિશાની એક કંપની, બિસ્વાલ ટ્રેડલિંક પ્રાઇવેટ લિમિટેડ 8% કમિશન માટે નકલી બેંક ગેરંટી બનાવી રહી હતી. આ કંપની માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવે છે અને તેનો કોઈ અસલી કામ-ધંધો નથી.
આ કૌભાંડમાં સામેલ વ્યક્તિઓ ખૂબ જ ચાલાક હતા. તેઓએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના નકલી ઇમેઇલ એડ્રેસ બનાવ્યા. SBIનું અસલી ઇમેઇલ એડ્રેસ sbi.co.in છે, પરંતુ તેઓએ SBIનું હોય તેવું દેખાડવા માટે s-bi.co.in જેવું એડ્રેસ બનાવ્યું. આનાથી એવું લાગતું હતું કે આ SBIથી આવેલો અસલી ઇમેલ છે. રિલાયન્સ કંપનીઓ તરફથી સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (SECI)ને 68.2 કરોડ રૂપિયાની નકલી ગેરંટી આપવામાં આવી હતી.




