સુરતમાં હવે મહિલા જ ચલાવશે પિંક BRTS બસ, મહિલાઓ-યુવતીઓ માટે નવતર પ્રયોગ


સુરત મહાનગરપાલિકાને બે વર્ષ પછી BRTSની પિંક બસ માટે મહિલા ડ્રાઈવર મળી જતા આજથી શહેરમાં મહિલાઓ માટે સમર્પિત બસ સેવા શરૂ થઈ છે. ઇન્દોરની રહેવાસી અને સિંગલ મધર નિશા શર્માને સુરતની પ્રથમ મહિલા BRTS ડ્રાઈવર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. માત્ર મહિલાઓને ધ્યાનમાં રાખીને શરૂ કરાયેલી આ પિંક બસ માટે લાંબા સમયથી મહિલા પાઇલટની શોધ ચાલી રહી હતી, જે આખરે પૂર્ણ થઈ ગઈ છે. ONGC કોલોની BRTS સ્ટેશન પરથી સવારે 11 વાગ્યે ખાસ ફલેગ ઓફ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું.

આજથી સુરતમાં પિંક BRTS બસ નિયમિત રીતે દોડતી જોવા મળશે. તેમાં મહિલા ચલકની સાથે મહિલા કન્ડક્ટર પણ રહેશે અને મુસાફરી પણ માત્ર મહિલાઓ જ કરી શકશે. પહેલો રૂટ ONGCથી સરથાણા સુધીનો રહેશે. મહાનગરપાલિકા જણાવે છે કે હાલમાં મળી આવેલી પહેલી મહિલા ડ્રાઈવર બાદ વધુ મહિલાઓ આ ક્ષેત્રે આગળ આવે તો પિંક બસોની સંખ્યા પણ વધારાશે. સુરતમાં માસ ટ્રાન્સપોર્ટેશન વધુ સુરક્ષિત, પ્રદૂષણમુક્ત અને સુવિધાસભર બનાવવા માટે મહાનગરપાલિકા સતત પ્રયત્નશીલ છે.
મહિલાઓ માટે પિંક BRTS બસ દોડાવવા માટે વહીવટી તંત્રને 20 મહિના સુધી મહિલા ચાલક મળતી ન હતી. દરમિયાન નિશા શર્માએ ઇન્દોરમાં છાપામાં સુરતમાં મહિલા BRTS ડ્રાઈવરની જાહેરાત વાંચીને સુરત આવવાનું નક્કી કર્યું. સિંગલ મધર હોવાને કારણે પરિવાર સાથે નવા શહેરમાં સ્થાયી થવાનો મોટો પડકાર હોવા છતાં નિશાએ દિવાળી પહેલાં જ હિંમતભેર નિર્ણય લીધો. તેના 4 વર્ષના હેવી વ્હીકલ અનુભવ અને કડક માપદંડોમાં તે નિષ્ઠાપૂર્વક ઊતરી હતી. નિશા શર્મા ઇન્દોરમાં 4 વર્ષથી BRTS બસ ચલાવી રહી છે. એક મહિનાની સઘન તાલીમ બાદ હવે તેને સત્તાવાર રીતે ઓન-બોર્ડ કરવામાં આવી છે. પાલિકાનો દાવો છે કે તે રાજ્યની પ્રથમ મહિલા પાઇલટ છે. સુરતની મહિલાઓ નિશા શર્માને જોઈ પ્રેરણા મેળવશે.
નિશાના પરિવારમાં તેની માતા અને બે બાળકો છે, જે હાલ ઇન્દોરમાં રહે છે. પરિવારની સંપૂર્ણ જવાબદારી નિશા પોતાના ખભા પર લઈને સુરતમાં આવી છે. હાલમાં તે 22,000 રૂપિયાના વેતન પર સેવા આપી રહી છે, જોકે આગામી સમયમાં વેતન વધારવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નિશા કહે છે કે “મને બસ ચલાવવાનો ચાર વર્ષનો અનુભવ છે અને હવે સુરતમાં સેવા આપવાનો મોકો મળ્યો એ મારા માટે ગૌરવની વાત છે.” વધુમાં નિશા શર્માએ કહ્યું કે જીવનમાં કોઈ જ કામ નાનું-મોટું નથી હોતું. કોઈ જ કાર્ય અશક્ય પણ નથી હોતું. નિશાનું આ સાહસ સુરતની મુસાફરી સેવાઓ માટે જ નહીં પરંતુ તમામ મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બની રહ્યું છે.




