માથું ધડથી નોખું, શરીરના ટુકડા, નોકરીના પહેલા દિવસે બે ભાઈઓનો અંત, રોડ પર પડેલી લાશોએ કંપાવ્યાં


સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાવીયાણી ગામ પાસે ગંભીર અકસ્માતની ઘટના આજરોજ બનવા પામી હતી. જેમાં બાઇક પર સવાર 3 માંથી 2 સગા ભાઈઓ આજે નોકરી પર જ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારીને ભાગી ગયો હતો. આ અકસ્માતમાં ત્રણેય યુવકોએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.
મળતી માહિતી અનુસાર આ 3 બાઇક સવાર માંથી 2 સગા ભાઈઓ હતા. જેમનો આજ રોજ નોકરીમાં પહેલો દિવસ હતો. માહિતી મુજબ પાટડી તાલુકાના એરવાડા ગામનો સંજય ભાથીભાઈ ઠાકોર નામનો યુવક બેચરાજી કંપનીમાં કામ કરવા રોજ જતો હતો જેણે પોતાના જ ગામના ટીનાભાઇ નરશીભાઈ દેવીપૂજક અને એના નાના ભાઈ મયુર નરશીભાઈ દેવીપૂજકને દિવસના 400 રુપિયા લેખે નોકરી પર લગાડ્યા હતા.
આજે 2 સગા ભાઈઓ અને અન્ય 1 યુવક એમ 3 જણા વહેલી સવારે એરવાડાથી બેચરાજી ખાતે નોકરી પર જવા નીકળ્યા હતા. અને વહેલી સવારે જ નાવીયાણી ગામ પાસે એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા બાઇક ફંગોળાઇ ગયું હતું. બાઇક એટલી ભયાનક રીતે કહણગોળાયું હતું કે આ ત્રણેય યુવકો રોડ પર પટકાતા તેમના માથા ધડથી અલગ થઈ ગયા હતા અને એટલું જ નહીં પણ શરીરના પણ કટકે કટકા થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ બંને ભાઇઓ અત્યાર સુધી જૂના કપડા લે-વેચનું કામ કરતા હતા અને આજે એમની નોકરીનો પ્રથમ દિવસ હતો.જો કે અકસ્માતની જાણ થતાં હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને હાઇવે પર ભેગા થયેલા લોકોએ પોલિસ અને 108ને જાણ કરતા પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલિસે ત્રણેય યુવકોના મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માત અંગે વધુ માહિતી આપતા પોલિસે જણાવ્યું કે હાલ ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કયા વાહનની અડફેટે અકસ્માત સર્જાયો એ માટે આજુબાજુના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ ચાલુ છે.




