પ્રથમ દિવસે 50,000થી વઘુ લોકોએ અમદાવાદ ફ્લાવર શો 2026ની મુલાકાત લીધી


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ફ્લાવર શો–2026ને નવા વર્ષની શરૂઆતમાં જ નાગરિકો અને પ્રવાસીઓ તરફથી નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે. તા. 1 જાન્યુઆરી 2026ના રોજ રાત્રે 8.00 વાગ્યા સુધીમાં કુલ 52000થી વધુ મુલાકાતીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી.
ફૂલોના વૈવિધ્યસભર આકર્ષણો, સર્જનાત્મક પ્રદર્શનો અને સુવ્યવસ્થિત આયોજનને કારણે ફ્લાવર શો શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, આ વર્ષે ફ્લાવર શોમાં બે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જાયા છે. પ્રથમ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિશ્વના સૌથી મોટા ફ્લાવર મંડલાનો છે, જ્યારે બીજો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સરદાર વલ્લભભાઈ પટેલના વિશ્વના સૌથી મોટા ફ્લાવર પોર્ટ્રેટનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે તૈયાર કરાયેલા ફ્લાવર મંડલાનું DGPS (Differential Global Positioning System) ટેક્નોલોજી દ્વારા ચોક્કસ માપ લેવામાં આવ્યું છે. અધિકૃત સર્વે રિપોર્ટ અનુસાર આ ભવ્ય ફ્લાવર મંડલાનો વ્યાસ આશરે 33.6 મીટર, કુલ વિસ્તાર 886.789 ચોરસ મીટર નોંધાયો છે. ઉચ્ચ ચોકસાઈવાળા DGPS સાધનો દ્વારા કરવામાં આવેલી આ માપણીને આધારે ફ્લાવર મંડલાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે માન્યતા આપવામાં આવી છે. અગાઉ 706.86 ચોરસ મીટર વિસ્તારનો ન્યૂનતમ બેન્ચમાર્ક નક્કી કરવામાં આવ્યો હતો.
આ સાથે જ રાષ્ટ્રીય એકતાનું પ્રતિક એવા સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફ્લાવર પોર્ટ્રેટ પણ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ પોર્ટ્રેટનું Total Station Survey તથા Measuring Tape દ્વારા માપણી કરવામાં આવી છે. સર્વે રિપોર્ટ મુજબ સરદાર પટેલના ફ્લાવર પોર્ટ્રેટની કુલ લંબાઈ 41.17 મીટર, પહોળાઈ 8 મીટર અને કુલ વિસ્તાર 329.360 ચોરસ મીટર નોંધાયો છે. આ માપદંડો આધારે આ પોર્ટ્રેટને World Largest Flower Portrait તરીકે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે માન્યતા મળી છે. અગાઉ આ કેટેગરીમાં ન્યૂનતમ બેન્ચમાર્ક 50 ચોરસ મીટર નક્કી કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, અમદાવાદ ખાતે આયોજિત ફ્લાવર શોએ ફોટોગ્રાફરોને પણ વિશેષ રીતે મંત્રમુગ્ધ કર્યા છે. આજે ‘અમદાવાદ ક્લિકર્સ’ ફોટોગ્રાફર્સ ગ્રુપના સભ્યોએ ફ્લાવર શોની વિશેષ મુલાકાત લીધી હતી. આ જૂથમાં ઇજનેરો, ડોક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત વિવિધ વ્યવસાય સાથે જોડાયેલા લોકો સામેલ છે, જેમણે ફોટોગ્રાફીને પોતાના શોખ તરીકે વ્યાવસાયિક સ્તરે અપનાવી છે.
ફૂલોના કલાત્મક આયોજન, રંગબેરંગી માળખાં અને વિશાળ થીમ આધારિત પ્રસ્તુતિઓએ ફોટોગ્રાફરોને અત્યંત પ્રભાવિત કર્યા હતા. શોના વિવિધ ઝોન અને ફૂલસજાવટ તેમના કેમેરામાં કેદ કરતાં તેઓએ શોના આયોજન, સૌંદર્ય અને વ્યાપકતાની ખુલ્લેઆમ પ્રશંસા કરી હતી.
આગામી દિવસોમાં વધુ સંખ્યામાં નાગરિકો અને પ્રવાસીઓ ફ્લાવર શોની મુલાકાત લેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.




