રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી


ભારત પર એક બાદ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દેશના વાતાવરણમાં થોડો પલટો આવી શકે છે. એક મજબૂત વેસ્ટર્ન્સ ડિસ્ટર્બન્સ એક્ટિવ હોવાથી તેની અસર ગુજરાત, રાજસ્થાન, હરિયાળા, પંજાબ, દિલ્લી પર પણ જોવા મળશે અને બધા જ વિસ્તારમાં વરસાદની શક્યતા છે. આ સિસ્ટમની અસર ગુજરાત પર 23 જાન્યુઆરીથી જોવા મળી શકે છે. ગુજરાતમાં માવઠાની સ્થિતિ 25 જાન્યુઆરી સ્થિતિ રહે તેવો અનુમાન છે.હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 23થી 25 જાન્યુઆરી સુધી કમોસમી વરસાદ પડી શકે છે પરંતુ ભારે વરસાદની શક્યતા નહિવત છે. આ સમય દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો હળવો વરસાદ વરસી શકે છે. માવઠાની શરૂઆત સૌરાષ્ટ્ર અને કચ્છથી થશે ત્યારબાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો વરસાદ આવશે. આ સમય દરમિયાન ઠંડીમાં ઘટાડો થશે પરંતુ 25 જાન્યુઆરી બાદ ફરી તાપમાનનો પારો ગગડતાં ઠંડીમાં વધારો થશે, માવઠાના રાઉન્ડ બાદ ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થાય તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. 25 જાન્યુઆરી બાદ ઠંડીના રાઉન્ડમાં રાજ્યમાં કોલ્ડવેવ જેવી સ્થિતિ સર્જાઇ શકે છે કારણ કે, કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જઇ શકે છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પ્રમાણમાં સારી ઠંડી પડી રહી છે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ હવે તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઊંચે જતાં ઠંડીમાં ઘટાડો થઇ શકે છે. જેથી લોકોને ઠંડીથી થોડી રાહત મળી શકે છે. ઉપરાંત દિવસનું તાપમાન પણ ઊંચુ જશે અને ઠંડા પવન પણ ઓછો થશે. જેથી ફરી દિવસે ગરમી અને રાત્રે સામાન્ય ઠંડી અનુભવાય તેવી બેવડી ઋતુનો અનુભવ થશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી અમદાવાદમાં પણ ત્રણ દિવસ ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના છે, જો કે પવનની ગતિ વધી શકે છે. અમદાવાદ શહેરમાં આઠ કિમીની ઝડપી પવનો ફૂંકાઇ રહ્યાં છે. પવનની ગતિ વધવાની શક્યતા છે. હાલ અમદાવાદનું લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. પમાનમાં હજુ ત્રણથી ચાર ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે જેથી ઠંડીમાં ધરખમ ધટાડો થઇ શકે છે.




