કાર, દારુ અને કેમિકલ્સથી માંડીને મેડિકલ સાધનો સુધી થશે સસ્તાં… ભારત-EU વચ્ચે ઐતિહાસિક કરાર


આજે 16મી ભારત-EU સમિટમાં ઐતિહાસિક ભારત-EU વેપાર કરારની જાહેરાત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન નેતાઓ અનેક પાસાઓ પર ચર્ચા કરશે. આ હેતુ માટે, યુરોપિયન નેતાઓએ હૈદરાબાદ હાઉસ ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરી. વડાપ્રધાને યુરોપિયન નેતાઓનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના નેતાઓએ મંગળવાર 27 જાન્યુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં ઐતિહાસિક મુક્ત વેપાર કરાર (FTA)ને અંતિમ સ્વરૂપ આપ્યું. બંને પક્ષ 2007થી આના પર વાતચીત કરી રહ્યા છે. હવે 18 વર્ષ પછી આ પ્રયાસ સફળ થયા છે. આનાથી યુરોપિયન યુનિયનથી ભારતમાં આવતો ઘણો સામાન સસ્તો થઈ શકે છે.
આ કરારને વડાપ્રધાન મોદીએ ‘મધર ઑફ ઑલ ડિલ્સ’ કહ્યો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ ડિલ વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે તાલમેલનું એક શાનદાર ઉદાહરણ છે. આ કરાર વિશ્વની 25% GDP અને ગ્લોબલ ટ્રેડના લગભગ એક તૃતીયાંશ ભાગનું પ્રતિનિધિત્વ કરે છે. આ કરાર અંતર્ગત ભારતે યુરોપિયન કેમિકલ્સ, વિમાન અને અવકાશયાન સંબંધિત લગભગ તમામ પ્રોડક્ટ્સ પર આયાત શુલ્ક ખતમ કરવાની સંમતિ વ્યક્ત કરી છે.મેડિકલ અને સર્જિકલ સાધનો પર પણ હવે કોઈ ટેક્સ નહીં લાગે. આ ડિલ અંતર્ગત સૌથી મોટો ફેરફાર સામાન્ય ગ્રાહકો માટે હશે, કારણકે યુરોપિયન દારૂ, બીયર, સ્પિરિટ અને ઓલિવ તેલ પર લાગતાં ભારે ભરખમ શુલ્કમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કરાર 2023 સુધીમાં યુરોપિયન નિકાસને બમણી કરવાનો ટાર્ગેટ ધરાવે છે અને નાણાકીય અને દરિયાઈ સેવાઓમાં યુરોપિયન કંપનીઓને વિશેષ પહોંચ પૂરી પાડે છે. આ સિવાય આઇટી, એન્જિનિયરિંગ, ટેલિકોમ અને બિઝનેસ જેવા સર્વિસ સેકટરમાં ભારતીયોને તક મળશે.
આ કરાર હેઠળ, યુરોપિયન સંઘથી આયાત થતાં કૃષિ-ખાદ્ય ઉત્પાદનો પરના ઊંચા ટેરિફ ઘટાડી દેવામાં આવ્યા છે. ઓલિવ તેલ, માર્જરિન અને અન્ય વનસ્પતિ તેલ હવે પર હવે શૂન્ય ટકા શુલ્ક લાગશે. દારૂ પર લાગતો 150 ટેક્સ ઘટીને 20-30%ની રેન્જમાં આવી જશે, જ્યારે બીયર પર ડ્યુટી 110%થી ઘટાડીને 50% અને સ્પિરિટ પર 40% કરી દેવામાં આવી આવી છે. આનાથી ભારતીય પ્રીમિયમ આલ્કોહોલ બજારમાં સ્પર્ધા અને વિવિધતા વધશે.
યુરોપિયન કાર પર ભારતે વાર્ષિક 250,000 વાહનોના ક્વોટાની સાથે આયાત ડ્યુટી તબક્કાવાર ઘટાડીને 10% સુધી લાવવાનો નિર્ણય લીધો છે. જેથી મર્સિડીઝ, બીએમડબ્લ્યુ અને પોર્શ જેવી લક્ઝરી કારના ભાવ ઘટી જશે. કરાર હેઠળ, 15000 યુરો (લગભગ 16.3 લાખ રૂપિયા)થી વધુ કિંમતની કાર પર ટેરિફ ઘટાડીને માત્ર 40 ટકા કરી દેવામાં આવશે. આ સિવાય મશીનરી પર 44% અને કેમિકલ્સ પર 22% સુધીનો ટેક્સ પણ દૂર કરવામાં આવશે. લગભગ તમામ વિમાન અને અવકાશયાન સંબંધિત ઉત્પાદનો પરના ટેરિફ દૂર કરવામાં આવ્યા છે, જે ભારતના એવિએશન સેક્ટર માટે મોટા સમાચાર છે.આ ડિલ અંતર્ગત, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, અદ્યતન તબીબી ઉપકરણો પણ સસ્તા થશે. હાઇ-ટેક મશીનરી અને મોબાઇલ પાર્ટસ પર ડ્યૂટી ઘટવાથી ભારતમાં ઉત્પાદન ખર્ચ ઘટશે, જેનો ફાયદો અંતે તો ગ્રાહકોને જ ઓછા ભાગ તરીકે થશે. ઉદ્યોગ માટે જરૂરી મેટલ સ્કેપની આયાત પણ સસ્તી થશે, જેનાથી સ્ટીલ અને અન્ય ધાતુ ઉત્પાદનોના ભાવમાં સ્થિરતા આવશે.
વેપાર ઉપરાંત, આ કરાર આબોહવા પરિવર્તનની દિશામાં પણ એક મોટું પગલું છે. આ સાથે જ યુરોપિયન યુનિયન આગામી બે વર્ષોમાં ભારતને કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ઔદ્યોગિક પરિવર્તન માટે 500 મિલિયન યુરો (આશરે રૂ. 4,500 કરોડ) ની સહાય પૂરી પાડશે. આ ભંડોળનો ઉપયોગ ભારતના ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવા અને પર્યાવરણને અનુકૂળ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે કરવામાં આવશે. 2026ના પહેલા ભાગમાં એક વિશેષ “ક્લાયમેટ એક્શન પ્લેટફોર્મ” પણ લોન્ચ કરવામાં આવશે.




