National

એવું તે શું થયું કે ત્રણ સગી બહેનોએ 9મા માળેથી પડતું મૂક્યું, થયો જોરદાર ઘટસ્ફોટ

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેના કારણે સમગ્ર શહેરમાં ગભરાટનો માહોલ છે. ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદની એક સોસાયટીમાં ગઈકાલે રાત્રે ત્રણ સગીર બહેનોએ શંકાસ્પદ સંજોગોમાં નવમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો. માહિતી પ્રમાણે, ત્રણેય બહેનો ગઈકાલે રાત્રે લગભગ 2 વાગ્યે ટીલા મોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ભારત સિટી સોસાયટીમાં 9મા માળેથી કૂદી પડી. લોકોએ લોહીથી લથપથ તેમના મૃતદેહ જોયા અને બૂમાબૂમ કરી મૂકી.

તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ કરી રહી છે. માહિતી પ્રમાણે, ત્રણેય બહેનો ભારત સિટી સોસાયટીના બી-1 ટાવરના ફ્લેટ નંબર 907માં રહેતી હતી. પરિવારે પોલીસને ઘટનાની જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ તપાસ માટે મોકલી દીધા. પ્રાથમિક માહિતી પ્રમાણે, ત્રણેય બહેનોને એક કોરિયન ગેમ રમવાની આદત હતી, જેના કારણે તેમને આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા છે. પોલીસ હાલમાં ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ત્રણેય બહેનો ઓનલાઇન ટાસ્ક-બેઝ્ડ કોરિયન લવર ગેમ રમ્યા કરતી હતી. એવી આશંકા સેવાઈ રહી છે કે ત્રણેયે સામૂહિક રીતે આત્મહત્યા કરી છે, જોકે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી. છોકરીઓની ઉંમર 16 વર્ષ, 14 વર્ષ અને 12 વર્ષ હોવાનું જણાવાઈ રહ્યું છે.

પોલીસે જણાવ્યું કે ત્રણેયને ઓનલાઇન ગેમ રમવાની લત લાગી હતી અને તેમનો પરિવાર આની વિરુદ્ધ હતો. માતાપિતા ઘણીવાર છોકરીઓને રમવાથી રોકતા હતા. પોલીસ તપાસ કરી રહી છે કે છોકરીઓએ આત્મહત્યા કરી છે કે કોઈ અન્ય કારણ છે. ત્રણેય બહેનો સાથે રહેતી હતી અને બધું જ કામ સાથે કરતી હતી. તેઓ સાથે નાહતી, સાથે જમતી, સાથે સ્કૂલે જતી, ઊંઘતી અને અન્ય દૈનિક કામો પણ સાથે જ કરતી હતી. હવે આશંકા છે કે તેઓએ સાથે મળીને આત્મહત્યા પણ કરી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button