GUJARAT

ગુજરાતમાં ફરી ધરા ધ્રૂજી; આ નવું શહેર ભૂકંપના ટાર્ગેટ પર…બે મોટા જિલ્લામાં આંચકાથી લોકોમાં ફફડાટ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના બે અલગ-અલગ છેડાઓ પશ્ચિમમાં કચ્છ અને પૂર્વમાં દાહોદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોકે, રાહતની વાત એ છે કે આ બંને આંચકાઓમાં અત્યાર સુધી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર પ્રાપ્ત થયા નથી.

કચ્છ જિલ્લો ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાય છે. આજે બપોરે 1.43 કલાકે ભચાઉ અને તેની આસપાસના વિસ્તારોમાં ધ્રુજારી અનુભવાઈ હતી. રિક્ટર સ્કેલ પર 3.4ની તીવ્રતા નોંધાઈ છે. ભૂકંપનું એપીસેન્ટર ભચાઉથી અંદાજે 12 કિમી દૂર નોંધાયું હતું. બપોરના સમયે આંચકો આવતા લોકો ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા. કચ્છમાં અવારનવાર આવતા આફ્ટરશોક્સને કારણે સ્થાનિકોમાં સતત ભયનો માહોલ રહે છે.

કચ્છ બાદ પૂર્વ ગુજરાતના દાહોદ જિલ્લામાં પણ હળવો ભૂકંપ નોંધાયો છે. પ્રાપ્ત વિગતો મુજબ, આજે 05 માર્ચ 2026ના રોજ સવારે 11.55 વાગ્યે આ આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર 2.5 મેગ્નિટ્યુડની તીવ્રતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ દાહોદથી આશરે 34 કિ.મી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ (WSW) દિશામાં હતું. જમીનથી અંદાજે 17.7 કિમીની ઊંડાઈએ આ હલચલ થઈ હતી.

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) ના ડેટા મુજબ, ગુજરાતમાં ફોલ્ટ લાઈનો સક્રિય હોવાને કારણે આ પ્રકારના હળવા આંચકા આવતા રહે છે. ભચાઉમાં આવેલો 3.4ની તીવ્રતાનો આંચકો સામાન્ય કરતાં થોડો વધુ હોવાથી તે સ્પષ્ટપણે અનુભવાયો હતો, જ્યારે દાહોદમાં ઓછી તીવ્રતાને કારણે ઘણા લોકોએ તે અનુભવ્યો નહોતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button