Business

ડિજિટલ પેમેન્ટ માટે RBI નો મોટો નિર્ણય, ₹15,000 થી વધુના વ્યવહાર પર લાગુ થશે નવો નિયમ

જો તમે પણ ઓનલાઈન કે ડિજિટલ પેમેન્ટ કરતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 21 એપ્રિલના રોજ ડિજિટલ પેમેન્ટ અને ઈ-મેન્ડેટ (E-Mandate) ને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરી છે. આ નવા નિયમ મુજબ, હવે ₹15,000 કે તેથી વધુના ઓટોમેટિક કે રિકરિંગ પેમેન્ટ માટે એક વધારાનું ઓથેન્ટિકેશન (AFA – એક પ્રકારનું વેરિફિકેશન) કરવું ફરજિયાત બની ગયું છે. આ નિયમ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને UPI દ્વારા થતા તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પેમેન્ટ પર તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે.

RBI ની આ નવી ગાઈડલાઈન મુજબ, જો તમારું કોઈ પેમેન્ટ ₹15,000 થી વધુ છે અને તે દર મહિને કે નક્કી કરેલા સમયે આપોઆપ કપાતું હોય (જેમ કે કોઈ સબસ્ક્રિપ્શન), તો તેના માટે તમારે એડિશનલ ઓથેન્ટિકેશન (AFA) એટલે કે OTP કે પિન નાખીને મંજૂરી આપવી પડશે. આ ઉપરાંત, વીમાનું પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડના હપ્તા અને ₹1 લાખથી વધુના ક્રેડિટ કાર્ડના બિલની ચુકવણી માટે પણ આ વધારાનું વેરિફિકેશન લેવલ જરૂરી બનશે.

RBI એ સ્પષ્ટ કર્યું છે કે ઈ-મેન્ડેટની સુવિધા શરૂ કરવા માટે ગ્રાહકોએ એકવાર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. બેંકની સામાન્ય પ્રોસેસ પૂરી થયા પછી, AFA (વધારાના પ્રમાણીકરણ પરિબળ) ની ચકાસણી સફળ થાય ત્યારબાદ જ તમારો ઈ-મેન્ડેટ એક્ટિવ થશે. ખાસ વાત એ છે કે આ મેન્ડેટ હેઠળ થતું પહેલું પેમેન્ટ પણ AFA દ્વારા જ વેરિફાય થવું જોઈએ.

આ ઈ-મેન્ડેટની એક ચોક્કસ સમયમર્યાદા (વેલિડિટી) હશે, અને સૌથી સારી વાત એ છે કે યુઝર્સ ગમે ત્યારે તેમાં ફેરફાર કરી શકે છે અથવા તો તેને કેન્સલ પણ કરી શકે છે. બેંકોએ ગ્રાહકોને રજિસ્ટ્રેશન વખતે જ આ સુવિધા વિશે ચોખ્ખી માહિતી આપવાની રહેશે. તમે ફિક્સ રકમ અથવા તો બદલાતી (વેરિયેબલ) રકમ માટે પણ ઈ-મેન્ડેટ સેટ કરી શકો છો, જેમાં તમે મહત્તમ રકમની લિમિટ જાતે જ નક્કી કરી શકશો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button