વડાપ્રધાન મોદીએ હિમાચલ પ્રદેશનું હવાઈ સર્વેક્ષણ કર્યું, 1500 કરોડની સહાયની જાહેરાત


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આ ચોમાસામાં પૂર, ભૂસ્ખલન અને અવિરત વરસાદથી ખરાબ રીતે પ્રભાવિત એવા હિમાચલ પ્રદેશના મંડી અને કુલ્લુના અસરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો. પ્રધાનમંત્રીએ પૂરગ્રસ્ત રાજ્ય માટે ₹1,500 કરોડની સહાયની જાહેર કરી હતી.
તેમણે X પરની એક પોસ્ટમાં લખ્યું, ‘ હિમાચલ પ્રદેશમાં પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે હવાઈ સર્વેક્ષણ કર્યું . આ મુશ્કેલ સમયમાં અમે લોકોની સાથે મજબૂતીથી ઉભા છીએ અને અસરગ્રસ્ત લોકોને સતત સહાય મળે તે સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.’
હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને અચાનક પૂરને કારણે નુકસાન પામેલા લોકોના ઘરોનું નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કરવામાં આવશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું સમારકામ કરવામાં આવશે, શાળાઓનું નિર્માણ કરવામાં આવશે. આ સાથે, આપત્તિગ્રસ્ત લોકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ હેઠળ પણ મદદ મળશે. પશુધન માટે મીની કીટ આપવામાં આવશે.
હિમાચલ પ્રદેશમાં 20 જૂનથી 8 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ, વાદળ ફાટવા, અચાનક પૂર અને ભૂસ્ખલનના કારણે 4,122 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (SDMA) અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) અનુસાર, રાજ્યમાં 370 થી વધુ લોકોના મોત થયા છે, જેમાંથી 205 લોકોના મોત વરસાદ સંબંધિત ઘટનાઓમાં થયા છે, જેમાં 43 લોકો ભૂસ્ખલનમાં, 17 લોકો વાદળ ફાટવાથી અને 9 લોકો પૂરમાં મૃત્યુ પામ્યા છે.
આ પહાડી રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં ૧૬૫ લોકોનાં મોત થયા છે. આ ઉપરાંત, ૪૧ લોકો હજુ પણ ગુમ છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે માળખાગત સુવિધાઓને પણ વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ૬,૩૪૪ ઘરો, ૪૬૧ દુકાનો અને વ્યવસાયિક સંસ્થાઓને અસર થઈ છે.




