GUJARAT

સુરતમાં સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવી આચર્યું દુષ્કર્મ, ન્યૂડ ફોટા પાડી કરી બ્લેકમેઇલ

સુરતના મોટા વરાછા વિસ્તારમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક સગીરાને પ્રેમ જાળમાં ફસાવી, નશાયુક્ત ચોકલેટ આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આટલું જ નહીં, આરોપીએ સગીરાના ન્યૂડ ફોટા પાડીને તેને બ્લેકમેઇલ પણ કરી હતી. આ મામલે પીડિતાએ પરિવારને સમગ્ર આપવીતી જણાવતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે ઉત્રાણ પોલીસે મુખ્ય આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, આરોપીને પીડિતા સગીર વયની હોવાની જાણ હોવા છતાં તેણે તેની સાથે મિત્રતા કેળવી હતી. ત્યારબાદ સગીરાને નશાયુક્ત ચોકલેટ ખવડાવીને તેની અસહાયતાનો ગેરલાભ ઉઠાવી દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન આરોપીએ સગીરાના અત્યંત અંગત અને ન્યૂડ ફોટા પણ પાડી લીધા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપીને તે સગીરા પાસે વધુ અંગત ફોટા મોકલવા માટે સતત દબાણ કરી બ્લેકમેઇલિંગ કરી રહ્યો હતો.

સગીરાએ આખરે હિંમત દાખવીને સમગ્ર ઘટના પોતાના પરિવારને જણાવી હતી. પરિવારે તાત્કાલિક ઉત્રાણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે આ મામલે ત્વરિત પગલાં ભરીને આરોપી સામે પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ગુનામાં મદદગારી કરવા બદલ આરોપીની બહેન સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ ઉત્રાણ મોટા વરાછા પોલીસ ચોકીના PSI દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

તો બીજી તરફ સુરતની વરાછા પોલીસ સ્ટેશનની ટીમે એક મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને દુષ્કર્મના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને અમદાવાદથી ઝડપી પાડ્યો છે. વરાછા પોલીસ સ્ટેશનમાં 19 વર્ષીય આરોપી વિરુદ્ધ દુષ્કર્મ તેમજ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની કલમ 12 સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ ગુનામાં આરોપી સતત પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ વરાછા પોલીસે ચોક્કસ બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અમદાવાદ ખાતે દરોડો પાડીને 19 વર્ષીય આરોપીની અટકાયત કરી છે અને તેની સામે આગળની ચાર્જશીટ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button