ગાંજો પીને ફ્લાઈટ ઉડાડનારા પાઈલટ સામે એક્શન, એર ઈન્ડિયાએ નોકરીમાંથી કાઢી મુક્યા


એર ઈન્ડિયાએ ફુકેતથી દિલ્હી આવતી ફ્લાઈટ AI-2379 ના પાઈલટ-ઈન-કમાન્ડને નોકરીમાંથી બરતરફ કરી દીધા છે. ડ્રગ ટેસ્ટમાં ફેલ થયા બાદ કંપનીએ આ કાર્યવાહી કરી છે. આ ફ્લાઈટમાં ઓડિશા પરથી પસાર થતી વખતે 36000 ફૂટની ઊંચાઈએ અચાનક 300 ફૂટ જેટલી ઊંચાઈ ઘટી ગઈ હતી, જેના કારણે 24 મુસાફરો ઘાયલ થયા હતા.
કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે સુરક્ષા નિયમો અને રેગ્યુલેટરી જરૂરિયાતોના ઉલ્લંઘન સામે તેની ‘ઝીરો ટોલરન્સ’ પોલિસી છે. એરલાઈને પોસ્ટ કરતાં લખ્યું કે, “ફુકેત-દિલ્હી ફ્લાઈટના પાઈલટ-ઈન-કમાન્ડનો સાયકોએક્ટિવ પદાર્થનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરક્ષા અને ફિટનેસ નિયમોના ઉલ્લંઘન બદલ પાઈલટની નોકરી તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે.”એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ પોતાની પ્રાથમિક તપાસ રિપોર્ટમાં માહિતી આપતાં જણાવ્યું છે કે 145 લોકોને લઈ જઈ રહેલા એર ઈન્ડિયાના એરબસ A320 ના ત્રણેય હાઈડ્રોલિક સિસ્ટમ 36000 ફૂટની ઊંચાઈ પર એકસાથે કામ કરતા બંધ થઈ ગયા હતા. જેના કારણે ઓટોપાઈલટ ડિસ્કનેક્ટ થઈ ગયું હતું અને થોડી સેકન્ડ માટે સ્ટોલ વોર્નિંગ (વિમાન હવામાં અટકી જવાની કે નીચે પડવાની ચેતવણી) મળી હતી.
રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વિમાન અચાનક નીચે આવી ગયું હતું, જેના કારણે 24 મુસાફરો ઘાયલ થયા હતા. પ્રાથમિક તપાસમાં પાઈલટનો સાયકોએક્ટિવ પદાર્થનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, પાઈલટ દ્વારા નશાના ઉપયોગના કારણે હાઈડ્રોલિક સિસ્ટમ ફેલ થઈ કે વિમાન નીચે આવ્યું, તે અંગે રિપોર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી.
શું થયું હતું?
4 ઓગસ્ટ 2026 ના રોજ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-2379 ફુકેતથી દિલ્હી આવી રહી હતી. આ એરબસ A320neo માં 3 બાળકો સહિત 137 મુસાફરો સવાર હતા. વિમાનમાં 6 કેબિન ક્રૂ અને 2 પાઈલટ પણ હતા.
ફ્લાઈટ લગભગ 36000 ફૂટ ની ઊંચાઈ પર હતી ત્યારે જ વિમાનના ત્રણેય હાઈડ્રોલિક સિસ્ટમ એક પછી એક ફેલ થઈ ગયા હતા. ત્યારબાદ ઓટોપાઈલટ બંધ થઈ ગયું અને 2 સેકન્ડ સુધી સ્ટોલ વોર્નિંગ વાગી હતી.
વિમાન પહેલાં લગભગ 372 ફૂટ ઉપર ગયું અને પછી 292 ફૂટ નીચે આવી ગયું. તે સમયે સીટબેલ્ટની સાઈન બંધ હતી, જેથી અચાનક થયેલા ઝાટકાને કારણે 20 મુસાફરો અને 4 કેબિન ક્રૂ સહિત 24 લોકો ઘાયલ થયા હતા. 20 લોકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી, જ્યારે 4 લોકોને ગંભીર ઈજાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
હવે અકસ્માતની તપાસ શરૂઆતમાં આ ઘટનાને ખરાબ હવામાન અને ટર્બ્યુલન્સ સાથે જોડીને જોવામાં આવી હતી, પરંતુ વિમાનમાં થયેલા નુકસાન અને ઈજાઓને ધ્યાનમાં રાખીને તેની તપાસ અકસ્માત તરીકે કરવામાં આવી. AAIB ના પ્રાથમિક રિપોર્ટમાં હાઈડ્રોલિક સિસ્ટમ ફેલ થવા અને પાઈલટના ડ્રગ ટેસ્ટ રિપોર્ટ અંગે મહત્ત્વની વિગતો સામે આવી છે.
દિલ્હીમાં લેન્ડિંગ બાદ બંને પાઈલટોની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આલ્કોહોલ માટેના બ્રેથ એનાલાઈઝર ટેસ્ટમાં બંનેના રિપોર્ટ નોર્મલ હતા. પરંતુ સાયકોએક્ટિવ સબસ્ટન્સ ટેસ્ટમાં પાઈલટ-ઈન-કમાન્ડનો સેમ્પલ નોન-નેગેટિવ આવ્યો હતો, જ્યારે કો-પાઈલટનો સેમ્પલ નેગેટિવ હતો. ત્યારબાદ બંનેના બ્લડ સેમ્પલની કન્ફર્મેશન તપાસ કરવામાં આવી, જેમાં પણ 34 વર્ષીય પાઈલટ-ઈન-કમાન્ડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. AAIB એ આ બાબતને અત્યંત ગંભીર ગણાવી DGCA ને પ્રાથમિકતાના ધોરણે પગલાં લેવા ભલામણ કરી છે.
350 થી વધુ પાઈલટોની તપાસ
આ ઘટના બાદ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે પોતાના પાઈલટોની ડ્રગ ટેસ્ટિંગ શરૂ કરી છે. 17 ઓગસ્ટ સુધીમાં લગભગ 350 પાઈલટોની તપાસ કરવામાં આવી છે, જેમાં 2 પાઈલટોના પ્રાથમિક ટેસ્ટ નોન-નેગેટિવ આવ્યા છે. હાલના નિયમો મુજબ એરલાઈન્સે પોતાના 10% પાઈલટોની રેન્ડમ ડ્રગ તપાસ કરવાની હોય છે. સરકાર હવે તમામ પાઈલટોની વાર્ષિક રેન્ડમ ડ્રગ ટેસ્ટિંગ પર પણ વિચાર કરી રહી છે.
શું ડ્રગ ટેસ્ટ અને અકસ્માત વચ્ચે કોઈ કનેક્શન છે?
AAIB એ હજુ સુધી એવું નથી કહ્યું કે પાઈલટના ડ્રગ ટેસ્ટના કારણે જ વિમાનમાં આ ઘટના બની હતી. હાઈડ્રોલિક સિસ્ટમ એકસાથે કેમ ફેલ થઈ અને વિમાન અચાનક ઉપર-નીચે કેમ થયું તે તમામ પાસાંઓની તપાસ ચાલુ છે. હાલમાં માત્ર એટલું સ્પષ્ટ છે કે પાઈલટનો ડ્રગ ટેસ્ટ પોઝિટિવ આવતાં એર ઈન્ડિયાએ તેને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરી દીધો છે.




