National

‘આ માત્ર એક મેચ છે, રમાવા દો’, એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ રદ કરવા પર સુપ્રીમ કોર્ટ

એશિયા કપ 2025માં 14 સપ્ટેમ્બરે રમાનાર ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચને રદ કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે-આ માત્ર એક મેચ છે તેને થવા દો. અરજી કરનારે આગ્રહ કર્યો હતો કે મેચ રવિવારે રમાવાની છે માટે શુક્રવારે જ સુનાવણી કરવામાં આવે પરંતુ જસ્ટિસ જેકે માહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઇની પીઠે ઉતાવળનો ઇનકાર કરતા કહ્યું, ‘આટલી જલદી શું છે? મેચ રવિવારે જ છે, હવે શું કરી શકાય?’

અરજી કરનાર વકીલે કહ્યું, ‘ભલે મારો કેસ નબળો હોય પરંતુ તેને સુચીબદ્ધ તો કરવો જોઇએ.’ તેમ છતા સુપ્રીમ કોર્ટે તાત્કાલિક લિસ્ટિંગનો ઇનકાર કર્યો હતો. અરજીમાં માંગ કરવામાં આવી હતી કે ભારત સરકારને આદેશ આપવામાં આવે કે વિદેશી ધરતી પર રમાનાર ભારત-પાકિસ્તાન મેચને રોકવામાં આવે. આ જનહિત અરજી કાયદાના વિદ્યાર્થી ઉર્વશી જૈન અને ત્રણ અન્ય વિદ્યાર્થીઓ તરફથી બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરવામાં આવી હતી.

ભારત-પાકિસ્તાન મેચ રદ કરવા સુપ્રીમ કોર્ટમાં કરાઇ હતી અરજી

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું હતું કે, ક્રિકેટને રાષ્ટ્રીય હિતો, નાગરિકોના જીવન કે સશસ્ત્ર દળોના બલિદાનથી ઉપર રાખી શકાય નહીં. આ મેચ સૈનિકો અને શહીદોના પરિવારોની ભાવનાઓનું અપમાન કરશે. આ ઉપરાંત અરજીમાં એવી પણ માગ કરવામાં આવી છે કે રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ, 2025 તાત્કાલિક લાગુ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓને અટકાવી શકાય.

ભારત અને પાકિસ્તાન 14મી સપ્ટેમ્બરે 2025ના એશિયા કપ માટે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને થશે. આ અરજી એડવોકેટ્સ સ્નેહા રાની, અભિષેક વર્મા અને મોહમ્મદ અનસ ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવી હતી.

 અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, ‘દેશો વચ્ચે ક્રિકેટનો હેતુ સંવાદિતા અને મિત્રતા દર્શાવવાનો છે. પરંતુ પહેલગામ આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર પછી, જ્યારે આપણા લોકો માર્યા ગયા અને આપણા સૈનિકોએ બધું દાવ પર લગાવી દીધું, ત્યારે પાકિસ્તાન સાથે રમવાથી વિપરીત સંદેશ જશે કે જ્યારે આપણા સૈનિકો પોતાના જીવનું બલિદાન આપી રહ્યાં છે, ત્યારે આપણે તે જ દેશ સાથે રમતની ઉજવણી કરી રહ્યા છીએ જે આતંકીઓને આશ્રય આપી રહ્યો છે.’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button