બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કફ સિરપ ન આપો, ટપોટપ મોત વચ્ચે સરકારે જાહેર કરી એડવાઈઝરી


મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રતિબંધિત કફ સિરપ પીવાથી બાળકોના મૃત્યુ બાદ, કેન્દ્ર સરકારે એક એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે જણાવ્યું છે કે બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ અને શરદીની સીરપ આપવી જોઈએ નહીં. આરોગ્ય સેવા મહાનિર્દેશાલય (DGHS) એ બાળ દર્દીઓ અંગે આ એડવાઈઝરી જાહેર કરી છે.
સરકારે જણાવ્યું હતું કે, બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઉધરસ અને શરદીની દવાઓ આપવી જોઈએ નહીં. સામાન્ય રીતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે તેમની ભલામણ કરવામાં આવતી નથી. કોઈપણ દવાનો ઉપયોગ કાળજીપૂર્વક કરવો જોઈએ.
તાજેતરમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પ્રતિબંધિત કફ સિરપ પીવાથી કુલ 11 બાળકોના મૃત્યુ થયા છે. આમાંથી, મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં મૃત્યુઆંક વધીને નવ થયો છે. જોકે, પ્રારંભિક તપાસમાં સીરપના નમૂનાઓમાં DEG અથવા EG ના કોઈ નિશાન મળ્યા નથી, જે કિડનીને અસર કરે છે.
કફ સિરપના નમૂનાઓમાં કોઈ ભેળસેળ મળી નથી
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના છિંદવાડામાં ઓછામાં ઓછા નવ બાળકોના મૃત્યુ પછી એકત્રિત કરવામાં આવેલા કફ સિરપના નમૂનાઓમાં ડ્રગ કંટ્રોલ અધિકારીઓને કોઈ ભેળસેળ મળી નથી, ડાયથિલિન ગ્લાયકોલ (DEG) અથવા ઇથિલિન ગ્લાયકોલ (EG) ના નિશાન પણ મળ્યા નથી, જે કિડનીને નુકસાન પહોંચાડે છે.
મંત્રાલયે કફ સિરપ અંગે સ્પષ્ટતા જારી કરી છે, ત્યારે એક નિષ્ણાત ટીમ પાણી, જંતુ વાહકો અને શ્વસન નમૂનાઓ સહિત મૃત્યુના અન્ય તમામ સંભવિત કારણોની પણ તપાસ કરી રહી છે. ટીમે સ્થળની મુલાકાત લીધી અને રાજ્ય અધિકારીઓ સાથે સંકલનમાં વિવિધ નમૂનાઓ એકત્રિત કર્યા છે.




