અયોધ્યાના રામ મંદિરમાં નમાજ પઢવાનો પ્રયાસ:મંદિરમાં ઘૂસેલાં 2 યુવક-1 યુવતીએ પોતાને કાશ્મીરી ગણાવ્યા


અયોધ્યામાં રામ જન્મભૂમિ સંકુલમાં ત્રણ લોકો ઘૂસી ગયા અને નમાજ પઢવાનો પ્રયાસ કર્યો. સુરક્ષાકર્મચારીઓએ તાત્કાલિક તેમને રોક્યા અને તેમની અટકાયત કરી. પકડાયેલાં બે યુવકો અને એક યુવતીએ પોતાની ઓળખ કાશ્મીરના રહેવાસી તરીકે આપી. હજુ સુધી કોઈએ પુષ્ટિ કરી નથી કે આરોપીઓ કોણ છે અથવા તેઓ ક્યાંનાં છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ત્રણેય શંકાસ્પદ વર્તન કરી રહ્યાં હતાં. પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેઓ અયોધ્યા કેમ આવ્યાં હતાં.
યુવક અને યુવતી રામ મંદિરના ગેટ D1થી પ્રવેશ્યાં. ત્યાર બાદ યુવક સીતા રસોઈ પાસે નમાજ પઢવા બેઠો. પોલીસે તેને આમ કરતાં જોતાં જ તેની અટકાયત કરી લીધી. તે યુવકે કાશ્મીરી પોશાક પહેર્યો હતો. એક પુરુષની ઓળખ કાશ્મીરના શોપિયાના રહેવાસી અબુ અહેમદ શેખ તરીકે થઈ છે. છોકરીની ઓળખ સોફિયા તરીકે થઈ છે. બીજા યુવકનું નામ હજુ સુધી જાણી શકાયું નથી.
ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે જ્યારે સુરક્ષાકર્મચારીઓએ યુવાનોને રોક્યા ત્યારે તેઓ નારા લગાવવા લાગ્યા. ઘટનાની માહિતી મળતાં જ ગુપ્તચર એજન્સીઓ, સ્થાનિક પોલીસ અને વરિષ્ઠ વહીવટી અધિકારીઓ તાત્કાલિક સક્રિય થઈ ગયા હતા, જોકે જિલ્લા વહીવટીતંત્રે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી. રામ મંદિર ટ્રસ્ટે પણ સમગ્ર ઘટના પર મૌન ધારણ કર્યું છે.
22 જાન્યુઆરી, 2024ના રોજ રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ-પ્રતિષ્ઠા પછી દરરોજ આશરે દોઢ લાખ ભક્તો મંદિરની મુલાકાત લે છે. મંદિર પર આતંકવાદી હુમલાઓની વારંવાર ધમકીઓ મળી રહી છે. એના જવાબમાં સરકારે મંદિરની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે NSG યુનિટ તહેનાત કરવાનો નિર્ણય લીધો છે.
મંદિર સુરક્ષા હાલમાં SSFના હાથમાં છે
SSF શ્રીરામ જન્મભૂમિ સંકુલ અને મંદિરની સુરક્ષા માટે જવાબદાર છે. મંદિરની સુરક્ષા માટે 200 કર્મચારીઓ તહેનાત છે. યુપી સરકારે તાજેતરમાં PSFની રચના કરી છે, જેમાં PAC અને પોલીસકર્મચારીઓનો સમાવેશ થાય છે.




